૧૯૫૪ પછી પહેલી વાર બન્ને ટીમ પ્રથમ દાવમાં ૧૫૦થી ઓછા સ્કોરમાં આઉટ ઃ કિવીઓ બીજા દાવમાં મજબૂત સ્થિતિમાં
ટિમ સાઉધી
લૉર્ડ્સમાં પ્રથમ ટેસ્ટમાં ગુરુવારના પ્રથમ દિવસે કુલ ૧૭ વિકેટ પડ્યા બાદ ગઈ કાલે બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડ સામે યજમાન ઇંગ્લૅન્ડનો પણ ધબડકો થયો હતો અને બેન સ્ટોક્સની ટીમ પહેલા દાવમાં ૧૪૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બ્રિટિશરોએ ૯ રનની લીડ લીધી હતી, પરંતુ પછીથી કેન વિલિયમસન ઍન્ડ કંપનીએ બીજા દાવમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું અને ટી-ટાઇમ બાદ કિવી ટીમ માત્ર ચાર વિકેટ ગુમાવીને ૨૦૦ રનની નજીક પહોંચી ગઈ હતી. ૫૬મા રને ચોથી વિકેટ પડ્યા બાદ ડેરિલ મિચલ અને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલે ૧૫૦-પ્લસની ભાગીદારી કરી હતી. બ્રિટનના પ્રથમ દાવના નવા સ્ટાર બોલર મૅથ્યુ પૉટ્સે બે તેમ જ જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ માત્ર ૧૪૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ઓપનર ઝૅક ક્રૉવલીના ૪૩ રન સૌથી વધુ હતા. અગિયારમાંથી માત્ર ૩ બૅટર ડબલ-ડિજિટમાં પહોંચી શક્યા હતા. નવો કૅપ્ટન બેન સ્ટોક્સ ફક્ત ૧ રન બનાવીને ટિમ સાઉધીના બૉલમાં કૅચઆઉટ થયો હતો. સાઉધીએ ચાર તેમ જ તાજેતરમાં રનર-અપ રાજસ્થાન રૉયલ્સ વતી રમીને ટેસ્ટ રમવા આવેલા ટ્રેન્ટ બોલ્ટે ત્રણ, કાઇલ જૅમીસને બે અને કૉલિન ડિગ્રેન્ડહૅમે એક વિકેટ લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડના પહેલા દાવમાં ૧૩૨ રન હતા.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)