બહુ જ જલદી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પહેલી વાર બસનું સ્ટિયરિંગ હાથમાં લઈને મુલુંડની લક્ષ્મી જાધવ ચલાવશે બસ
લક્ષ્મી જાધવ હવે મુંબઈમાં બસ ચલાવતી જોવા મળશે
મુલુંડ-વેસ્ટમાં અંબિકાનગરમાં રહેતી એક સામાન્ય ગૃહિણી મહેનત કરીને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની પહેલી મહિલા બસ-ડ્રાઇવર બની છે. આ મહિલાએ મુંબઈની પહેલી રિક્ષા-ડ્રાઇવર બનીને ત્રણ વર્ષ કામ કર્યું હતું. હવે થોડા સમયમાં તે મુંબઈમાં બસ ચલાવતી જોવા મળશે.
૨૦૧૬માં રાજ્ય સરકારે મહિલાઓને પણ રિક્ષાની પરમિટ આપવાનું નક્કી કરતાં મુલુંડના અંબિકાનગરમાં રહેતી લક્ષ્મી જાધવે રિક્ષા ચલાવવાની પહેલી પરમિટ મેળવી હતી. તેણે આશરે ત્રણ વર્ષ રિક્ષા ચલાવી હતી. એક વર્ષ પહેલાં મુંબઈના બેસ્ટ વિભાગે મહિલા કર્મચારીઓની ભરતી વિશે વિચાર કર્યો હતો, જેમાં સૌપ્રથમ કન્ડક્ટર મહિલાની ભરતી કરવામાં આવી હતી. ત્યારે લક્ષ્મીએ ડ્રાઇવર તરીકે ફરજ બજાવવા અરજી કરી હતી. તેની અરજી પર સિનિયર અધિકારીઓએ વિચાર કરીને એ કેવી રીતે પૉસિબલ થઈ શકે એ માટેની માહિતી મેળવી હતી.
ADVERTISEMENT
આ બાબતે લક્ષ્મી જાધવે કહ્યું હતું કે ‘મેં ત્રણ વર્ષ રિક્ષા ચલાવી હતી. મને જોઈને મુલુંડની અન્ય મહિલાઓએ પણ રિક્ષા ચલાવવાની શરૂઆત કરી હતી. મુલુંડમાં આશરે ૩૫થી ૪૦ મહિલાઓ રિક્ષા ચલાવે છે. તેમને રિક્ષા ચલાવતી જોઈને મને ખૂબ જ આનંદ થતો હોય છે. પહેલાં તેઓ ગભરાતી હતી, પણ હવે એકદમ બિન્દાસ રિક્ષા ચલાવે છે. મેં બેસ્ટની ૧૬ દિવસની ટ્રેઇનિંગ પૂરી કરી લીધી છે અને હવે મને બેસ્ટની બસ ચલાવવા માટેનું લાઇસન્સ પણ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં મુખ્ય પ્રધાનની હાજરીમાં પહેલી વાર હું બસનું સ્ટિયરિંગ હાથમાં લઈને બસ ચલાવીશ. એ પછી નિયમિત મુંબઈમાં અલગ-અલગ વિસ્તારોમાં બસ ચલાવીશ.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)