Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ખુલ્લા આસમાન તળે માણો સૅલડ, સ્મૂધીઝ અને સૅન્ડવિચ

ખુલ્લા આસમાન તળે માણો સૅલડ, સ્મૂધીઝ અને સૅન્ડવિચ

Published : 02 June, 2022 02:19 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

૧૪૩ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતી‌ ફોર્ટની આઇસ-ફૅક્ટરીમાં વડના છાંયામાં બેસીને લિજ્જત માણી શકાય એવી નવી ખૂલેલી ધ બન્યન ટ્રી કૅફેની સફરે ચાલો

ધ બન્યન ટ્રી કૅફે

ફૂડ રિવ્યુ

ધ બન્યન ટ્રી કૅફે


ગુડ વાઇબ્સ સૅલડ જોતાંની સાથે જ સરસ વાઇબ્સ મળે છે અને એમાં ટૉપિંગ તરીકે વપરાયેલાં સૂકાં કરમદાં માશાલ્લાહ!!


એક સમય હતો જ્યારે ભારતમાં બૉસ્ટનથી બરફ મગાવવામાં આવતો અને મુંબઈના આઇસ હાઉસમાં સ્ટોર થતો. જોકે ઇન્ડિયામાં પડતી ગરમી સામે બરફનું ટ્રાન્સપોર્ટેશન અઘરું થઈ જતાં ૧૮૭૮માં બિઝનેસમેન નાનાભોય બેરામજી જીજીભોય અને જે. એ. ફૉર્બ્સે બેલાર્ડ એસ્ટેટમાં મુંબઈની પહેલી આઇસ-ફૅક્ટરી શરૂ કરી. આ ફૅક્ટરી છેક ૨૦૧૮ સુધી કાર્યરત રહી. જોકે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બંધ પડી રહેલી એ આઇસ-ફૅક્ટરીની શિકલસૂરત હવે સાવ બદલાઈ ગઈ છે. આ જગ્યા હવે આર્કિટેક્ચર, આર્ટ, મ્યુઝિક, એક્ઝિબિશન્સ અને રિલૅક્સેશનનું હબ બનવા જઈ રહી છે. 



વાત એમ છે કે ફોર્ટની ગીચ બેલાર્ડ એસ્ટેટમાં આવેલી આઇસ-ફૅક્ટરીની દીવાલોની વચ્ચોવચ વિશાળ વડના વૃક્ષનો શ્વાસ ઘુંટાતો જોઈને આર્કિટેક્ટ કમલ મલિકને આ વડને રિવાઇવ કરવાની ઇચ્છા થઈ. ૧૪૩ વર્ષ જૂની ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી આ સાવ ખંડેર જગ્યાને કમલ મલિકે કન્સ્ટ્રક્શન ડેવલપર અભિજિત મહેતા અને હોટેલિયર અમરદીપ ટૉની સિંહ સાથે મળીને આઇસ-ફૅક્ટરીને આર્ટ, આર્કિટેક્ટ અને કલ્ચરનું હબ બનાવી દીધી છે. હવે એ નવી જગ્યાનું નામ છે IF.BE. નામ પહેલી નજરે અટપટું લાગી શકે, પણ એની પાછળ ઊંડો વિચાર છે. if એ આઇસ ફૅક્ટરનું ટૂંકું નામ તો છે જ, પણ એના ગૂઢાર્થ વિશે કમલ મલિકનું કહેવું છે કે IF અને BE વચ્ચેનું ડૉટ એ સમય છે. અને આ બન્ને શબ્દો અસંખ્ય સંભાવનાઓને ઉજાગર કરે છે. 
સાઉથ મુંબઈની ગીચ ગલીમાં દસ હજાર સ્ક્વેરફીટમાં ફેલાયેલી આ જગ્યામાં એક્ઝિબિશન્સ, આર્ટ વર્કશૉપ્સ, બુક રીડિંગ અને લીઝરલી રિલૅક્સ થઈ શકાય એવી મજાની જગ્યા તો છે જ, ઉપરાંત ચાર દિવસ પહેલાં જ એક કૅફે ખૂલી છે. વટવૃક્ષની છાયામાં ત્રણ બાજુથી કાચની દીવાલોથી બનેલી આ કૅફેનું નામ છે બન્યન ટ્રી કૅફે. કમર્શિયલ હબની વચ્ચે કઈ રીતે સંસ્કૃતિનાં સ્પંદનો ધબકવાનું શરૂ થયું છે એ જાણવા અમે કરેલી આ કૅફેની મુલાકાત કેવી રહી એ જોઈએ.


હૉર્નિમન સર્કલથી શહીદ ભગતસિંહ રોડ પર આગળ વધો એટલે મિન્ટ સર્કલથી જમણી ગલી એટલે કાલિકટ સ્ટ્રીટ આવે. મોટી ટ્રક હોય તો માંડ જઈ શકે એવી સાંકડી અને ગીચ ગલીમાં બેઉ તરફ કન્સ્ટ્રક્શન અને રિનોવેશન વર્ક ચાલી રહ્યું છે. ત્યાં જ જમણી બાજુએ તમને મળશે  IF.BEનું બિલ્ડિંગ. પારદર્શક કાચનો દરવાજો પાર કરીને આગળ વધો એટલે વચ્ચેના પૅસેજમાં ભોંયતળિયે દાટેલી એક મોટી આઇસ બનાવવા માટેની કૉઇલ દેખાશે. એની પર મૂકેલા કાચ પરથી તમારે ચાલીને અંદર જવાનું. ડાબી બાજુએ રીડિંગ અને વર્કશૉપ રૂમ છે. એનાથી આગળ વધો એટલે જૂના જમાનાના મકાન જેવા ખુલ્લા ચોકમાં મોટું ૧૪૭ વર્ષ જૂનું બન્યન ટ્રી જોવા મળશે. અલબત્ત, આ ચોકને ઉપરથી કાચની છતથી આવરી લેવાયો છે એટલે વરસાદથી બચી શકાય, પણ વડની વનરાજી પૂરી માણવા મળે. આ જગ્યાનું આર્કિટેક્ચર પણ ખૂબ વખણાઈ રહ્યું છે એનું કારણ એ છે કે જૂની જગ્યાને ધરમૂળથી બદલી નથી નાખવામાં આવી. આઇસ-ફૅક્ટરીની સિગ્નેચરને જાળવી રાખીને એના સ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે વચ્ચે-વચ્ચે મેટલના પિલર્સ મૂકેલા છે અને હા, એકેય દીવાલ પર પ્લાસ્ટર સુધ્ધાં નથી. લાલ ઈંટોનું જેવું ચણતર થયું છે એવું જ ઓપન રાખવામાં આવ્યું છે. જ્યાં આઇસ બનતો હતો એ રૂમને વર્કશૉપ રૂમમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે અને એની ઉપર પણ બરફની મોટી લાદીઓને ફેરવવા માટે જે મોટી ગરગડીઓ વપરાતી હતી એ પણ છત પર એમ જ ઇન્ટૅક્ટ છે. કૅફેમાં બેસીને આસપાસનો નજારો જોવાની અને ડીટૉક્સ જૂસની ચુસ્કી લેવાની મજા આવે એવું છે. 

મેનુ જોશો તો એમાં આપણી હેલ્થનું પણ ખાસ્સું ધ્યાન રાખવામાં આવ્યું છે. સૅલડ, સ્મૂધીઝ, જૂસ અને સૅન્ડવિચના અધધધ કહેવાય એટલા ઑપ્શન્સ છે. અહીં તમે જાતે પસંદ આવે એવું સૅલડ કે સૅન્ડવિચ બનાવડાવી શકો છો. જોકે અમે જાતે અખતરા કરવાને બદલે શેફ દ્વારા રેકમન્ડ કરેલી ચીજો જ ટ્રાય કરવાનું પસંદ કર્યું. ઓહ હની નામના હળવા-પીળા રંગના જૂસમાં મધમીઠી સક્કરટેટીના જૂસની અંદર સહેજ દાડમનો કડછો સ્વાદ ઉમેરવામાં આવ્યો હતો. જો તડકામાં ડીહાઇડ્રેટ થઈને પહોંચ્યા હો તો એકી શ્વાસે ગટગટાવી જવાની ઇચ્છા થશે. જૂસ ઉપરાંત મસ્ટ ટ્રાય કહેવાય એવી છે અહીંની સ્મૂધીઝ. અમે જે ગ્રીન જન્કી નામની સ્મૂધી ટ્રાય કરી એમાં મિલ્ક કે યોગર્ટ કશું જ નહોતું. બસ, બેબી સ્પિનૅચ, કિવી અને બેસિલનો બ્રાઇટ લીલા રંગનો જૂસ જ જોઈ લો. એમાં થોડીક કાચી કેરી અને લેમન જૂસની ખટાશનો આફ્ટરટેસ્ટ અફલાતૂન. તમને લાગશે જ નહીં કે એમાં પાલક જેવી કોઈ હેલ્ધી ચીજ છે. છેલ્લે જીભ પર વર્તાતા કેરી-લીંબુના ટૅન્ગી સ્વાદને કારણે વારંવાર ઘૂંટડા લેવાનું મન થાય એવી સ્મૂધી છે. 


આગળ કહ્યું એમ કૅફેનું મેનુ હેલ્ધી અને ક્લીન ઈટિંગ હૅબિટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. સૅલડના ઑપ્શન પણ ખૂબબધા છે અને એનાં નામ પાડવામાં પણ સારીએવી ક્રીએટિવિટી છે. ઇટલી સ્ટાઇલનું મામા મિયા બુરાટા સૅલડ પણ છે અને ગ્રીન વેજિટેબલ્સને ગ્રિલ કરીને બાલ્સેમિક વિનેગરમાં મૅરિનેટ કરેલું સ્પૅનિશ સ્ટાઇલ સૅલડ પણ છે. અમે ગુડ વાઇબ્સ સૅલડ અને પ્રોટીન-પૅક્ડ પાવર અપ સૅલડ ટ્રાય કર્યું. ગુડ વાઇબ્સ એના નામ પર ખરું ઊતરે એવું છે. લાલ, લીલો, પર્પલ, સફેદ એમ રંગબેરંગી બાઉલ જોતાં જ દિલ ખુશ થઈ જાય. એમાં ભરપૂર માત્રામાં અપાયેલી રૉકેટ લીવ્સ એ ભાજી જેવી જ કડચી છે, પણ એની સાથે અવાકાડોની સ્લાઇસનું ક્રીમી ટેક્સ્ચર એ ભાજીને ચાવવામાં મદદ કરે છે. વચ્ચે છોલેલી ઑરેન્જની પેશીઓ સહેજ ખાટી-મીઠી છે અને પર્પલ કૅબેજ જેવી ભાજી પણ રંગ અને ક્રન્ચમાં ઉમેરો કરે એવી છે. લેમન વિનેગરમાં ટૉસ કરેલી આ બધી જ ચીજોમાં બાજી મારી જાય એવી ચીજ હોય તો એનું ટૉપિંગ. એ છે લાલચટક સૂકાં કરમદાં. ખાટો-મીઠો-તૂરો સ્વાદ અને ઉપર સૂકાં ખટમીઠાં કરમદાં ચાવવાની મજા. જેમને પ્લાન્ટ બેઝ્ડ ચીજો ચાવીને એનો રસ માણવાની આદત હોય તેમના માટે જન્નત. બીજું પ્રોટીન પૅક્ડ સૅલડ હતું. બૉઇલ્ડ કીન્વાની સાથે કર્લી કેલની ભાજીની સાથે કકુમ્બરની વેફર્સ છે. લીલા-સફેદ રંગના સૅલડની ઉપર બ્રાઇટ યલો કતરી જે જોવા મળે છે એ છે લીલી હળદરની તળેલી કાતરી. ઓવરઑલ અદ્ભુત કૉમ્બિનેશન. 

બે સૅલડ અને સ્મૂધી ટ્રાય કરવામાં જ પેટ ભરાઈ ગયું, પણ હજી મેનુની ઘણી આઇટમો હતી જે ટ્રાય કરવા જીભ લલચાતી હતી. સાઉથ બૉમ્બેમાં આવો અને ટોસ્ટીઝ ન મળે એવું તો બને જ નહીં. અહીંની સૅન્ડવિચના મેનુમાં ટોસ્ટીઝ પણ છે. જોકે અમે કંઈક સાવ જ હટકે જણાતી વાનગી ટ્રાય કરી. નામ છે મદ્રાસ મેલ સૅન્ડવિચ. આમ જોઈએ તો એમાં ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ છે. પનીર, મદ્રાસ કરી મેયો અને ફોકાશિયા બ્રેડ. જોકે ફોકાશિયાની ક્વૉલિટી અદ્ભુત. ટેબલ પર સર્વ થયા પછી અમે લગભગ અડધો કલાકે એ ખાધી. એમ છતાં બ્રેડની સૉફ્ટનેસ બરકરાર હતી. મદ્રાસ કરીમાં પનીર એટલું સરસ મૅરિનેટ થયેલું છે કે કંઈક નવું ટ્રાય કરવાની મજા આવી. 

અહીં જો તમે બ્રેકફાસ્ટ માટે આવો તો યોગર્ટ અને સિરિયલ્સના પણ ઘણા ઑપ્શન છે અને લંચ કે ડિનર માટે આવો તો એમાં પણ મેઇન કોર્સની થોડીક આઇટમો છે. બીઇંગ અ વેજિટેરિયન, મેનુમાંની નો-મીટ ચીટ નામની વેજ વાનગીએ અમારું ધ્યાન આકર્ષ્યું. તોફુ, ગાર્લિક મૅશ અને સહેજ વઘારેલાં વેજિટેબલ્સની સાથે પિરસાયેલી આ વાનગી સર્વ થાય એવી તરત જ ખાઈ લેવી, મૂકી રાખશો તો મજા નહીં આવે. 

અહીં વેજિટેરિયન્સ માટે ડિઝર્ટના કોઈ જ ઑપ્શન નથી, પણ કંઈક સ્વીટ ખાવું જ હોય તો યોગર્ટ બેઝ્ડ આઇટમથી મન મનાવી શકાય. 

 

ક્યાં?: ધ બન્યન ટ્રી કૅફે, IF.BE, કાલિકટ સ્ટ્રીટ, બેલાર્ડ એસ્ટેટ, ફોર્ટ

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2022 02:19 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK