સોનુ નિગમે જણાવ્યું છે કે લતા મંગેશકરે કયાં કારણોસર સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું બંધ કર્યું હતું.
લતા મંગેશકર
સોનુ નિગમે જણાવ્યું છે કે લતા મંગેશકરે કયાં કારણોસર સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું બંધ કર્યું હતું. લતા મંગેશકરનાં જીવન સાથે સંકળાયેલી જાણી-અજાણી બાબતો પર ‘નામ રહ જાએગા’ શોના માધ્યમથી લોકોને અવગત કરવામાં આવે છે. આ શો દર રવિવારે સાંજે ૭ વાગ્યે સ્ટાર પ્લસ પર દેખાડવામાં આવે છે. ગજેન્દ્ર સિંહે આ શોને ડિરેક્ટ કર્યો છે. આ શોમાં અનેક ગાયકોએ આવીને લતા મંગેશકરને શ્રદ્ધાસુમન અર્પિત કર્યાં છે. લતા મંગેશકરને સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો શા કારણે ભય સતાવતો હતો એ વિશે સોનુ નિગમે કહ્યું કે ‘એક વખત અમેરિકાના ડેટ્રોઇટમાં લતાજીને મુકેશજી સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું હતું પરંતુ એ વખતે લતાજીને જરા પણ અંદાજ નહોતો કે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો તેમનો ભય ફરી એક વખત ઊથલો મારશે. સ્ટેજ જેણે એક વખત તેમના પિતાને તેમનાથી દૂર કર્યા હતા, એ જ સ્ટેજ તેમના મોટા ભાઈ સમાન મુકેશજીને પણ છીનવી લેશે. મુકેશજીના નિધને લતા મંગેશકર પર ખૂબ માઠી અસર પહોંચાડી હતી અને આ જ કારણ છે કે લતાજીએ ફરીથી સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું બંધ કરી દીધું હતું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)