ક્વિન્ટિન ટૅરેન્ટિનો દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફ્રૅન્ચાઇઝી ઍક્શનથી ભરપૂર છે
ઉમા થર્મન
હૉલીવુડની ઍક્ટ્રેસ ઉમા થર્મનનું કહેવું છે કે ‘કિલબિલ 3’ નજીકના ભવિષ્યમાં બને એવું મને નથી લાગતું. ક્વિન્ટિન ટૅરેન્ટિનો દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફ્રૅન્ચાઇઝી ઍક્શનથી ભરપૂર છે. આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ આવવાની બહુ જોરશોરમાં વાતો ચાલી હતી. જોકે એ માટે હવે રાહ જોવી પડશે. આ વિશે વાત કરતાં ઉમા થર્મને કહ્યું કે ‘આ વિશે હું કાંઈ જણાવી શકું એમ નથી. આ ફિલ્મ વિશે ઘણાં વર્ષોથી વાત ચાલી રહી છે. આ ફિલ્મ બની રહી છે એ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એને ઘણો સમય થઈ ગયો છે. નજીકના ભવિષ્યમાં તો એ શક્ય જ નથી. લોકોને નારાજ કરવાનું મને ગમતું નથી. દરેક લોકો ઇચ્છે છે કે એ જલદી બને, પરંતુ એ શક્ય નથી.’
ક્વિન્ટિન ટૅરેન્ટિનોએ કહ્યું હતું કે તેની કરીઅરની દસમી ફિલ્મ તેની છેલ્લી ફિલ્મ હશે. આ વિશે પૂછતાં ઉમાએ કહ્યું હતું કે ‘મને નથી ખબર કે તેમની દસમી ફિલ્મ કેવી હશે. મને એટલું ખબર છે કે તેણે મને એટલું કહ્યું હતું કે તે ફક્ત ૧૦ ફિલ્મો બનાવશે. જોકે મેં તેની પાસેથી એ પણ સાંભળ્યું હતું કે ટીવીમાં તે કામ કરે તો તેની ગણતરી ફિલ્મમાં નહીં થાય. આથી મને લાગે છે કે તેઓ હજી ઘણું કામ કરી શકે છે તેમ જ સીક્વલનો સમાવેશ તેમની ૧૦ ફિલ્મોમાં નથી થતો. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જો ‘કિલબિલ’ની અન્ય ફિલ્મ પણ આવે તો એની ગણતરી તેમની ૧૦ ફિલ્મોમાં નહીં થાય.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)