સિંગરે ૨૦૧૭માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’માં ‘તારી મારી વાતો’ ગીત ગાયું હતું
તસવીર સૌજન્ય: ધ્વની ગૌતમ
જે કેકેને યાદ કરી આજે આપણે સૌ તેમના ગીતો સાંભળી રહ્યા છીએ તે વર્સેટાઇલ સિંગરનું ગુજરાતી તમે સાંભળ્યું છે? જો તમને પણ જાણીને આશ્ચર્ય થયું હોય કે કેકેએ ગુજરાતી ગીત પણ ગાયું છે? તો તમને જણાવી દઈએ કે સિંગરે ૨૦૧૭માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’માં ‘તારી મારી વાતો’ ગીત ગાયું હતું અને એટલું જ નહીં મેકર્સે તેમને એક આગામી ગુજરાતી ફિલ્મમાં વધુ એક ગીત ગાવા માટે અપ્રોચ પણ કર્યા હતા.
ADVERTISEMENT
ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડરના ડિરેક્ટર ધ્વની ગૌતમે કેકે સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “અમને તેમની સાથે કામ કરવું ખૂબ જ ગમ્યું હતું. તેમણે એક જ ગુજરાતી ગીત ગાયું છે, અમે એક આગામી ફિલ્મમાં તેમની પાસે વધુ એક ગુજરાતી ગીત રેકોર્ડ કરાવવા માગતા હતા, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થયું. તે પહેલાં બૉલિવૂડ સિંગર હતા જે ગુજરાતી ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ હાજર રહ્યા હતા. તે હંમેશા મ્યુઝિકને પ્રમોટ કરતાં પછી ભલે તે ગમે તે ભાષાનું હોય.”
તેમણે ઉમેર્યું કે “કેકેએ એકવાર કહ્યું હતું કે તે વધુ ગુજરાતી ગીતો ગાવા માગે છે, જો કોઈ તેમને એપ્રોચ કરશે તો તે અચૂક ગાશે. તે ખૂબ જ જમીન સાથે જોડાયેલી અને શાંત સ્વભાવની વ્યક્તિ હતી. તે નાના-મોટા દરેકને આદર આપતા, ભલે સામે બિનઅનુભવી વ્યક્તિ કેમ ન હોય.”
તારી મારી વાતો ગીતના મ્યુઝિક ડિરેક્ટર રાહુલ મુંજરિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “તેમની સાથે કામ કરવામાં મને ખૂબ આનંદ થયો હતો. આવા ખૂબ જ ઓછા ગાયક હોય છે જે કોમ્પોઝિશનની બારિકીઓ પણ સમજતા હોય છે. તેમના જેવો શાંત સિંગર મેં આજ સુધી નથી જોયો.”
કેકેની પ્રતિભા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “ઘણા સિંગર્સ ગીતના શબ્દો સમજ્યા વગર ગીત ગાઈને જતાં રહે છે, પરંતુ કેકે હંમેશા ગીતના શબ્દો અને અર્થને સમજી અને સચોટપણે ગાતા હતા. તેમની બેસ્ટ ક્વોલિટી કહીએ તો તે આ જ હતી કે એકદમ સચોટ રીતે કામ કરતા હતા.”
મ્યુઝિક ડિરેક્ટર રાહુલ મુંજારિયા, તસવીર સૌજન્ય: રાહુલ મુંજારિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
તેમણે પણ ઉમેર્યું કે “અમે એક આગામી ગુજરાતી ફિલ્મના ગીત માટે પણ તેમનો સંપર્ક કર્યો હતો.”
ઉલ્લેખનીય છે કે બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયકે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત ગુજરાતી ભાષામાં પણ ગીત ગાયા છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)