બૉલીવુડથી માંડીને હૉલીવુડ સુધી અભિનેત્રીઓમાં ફરી એક વાર બધાની ફેવરિટ બની રહી છે ડાયમન્ડ જ્વેલરી
હીરા હૈ સદા કે લિએ
તાજેતરમાં યોજાએલા આઇફા અવૉર્ડ્સ હોય કે પછી થોડા સમય પહેલાં થયેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ હોય, બધે જ ડાયમન્ડ જ્વેલરી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. અને કેમ ન હોય, ડાયમન્ડને તો કહેવાયો જ છે સ્ત્રીઓનો બેસ્ટ ફ્રેન્ડ. દીપિકા પાદુકોણના ડાયમન્ડ નેકલેસથી લઈને ઐશ્વર્યાના ઇઅરકફ સુધી બધું જ હજીયે ચર્ચામાં છે. આ વિશે વાત કરતાં ડાયમન્ડ જ્વેલરીમાં ડિઝાઇનર અને કન્સલ્ટન્ટ તરીકે પંદર વર્ષનો અનુભવ ધરાવતાં કક્ષા શાહ કહે છે, ‘ડાયમન્ડ જ્વેલરી દરેક સ્ત્રીનું સપનું હોય છે. હીરા સાથે સેન્ટિમેન્ટલ વૅલ્યુ જોડાયેલી હોય છે. હીરા ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી થતા. હીરાની જ્વેલરી સ્ત્રીને તે પોતે વૅલ્યુએબલ, સુંદર અને કૉન્ફિડન્ટ હોવાનો અહેસાસ આપે છે.’
ડિઝાઇન અને કન્સેપ્ટ | ઐશ્વર્યા રાયના ઇઅરકફ તેના ડ્રેસ બર્થ ઑફ વીનસના કન્સેપ્ટ પરથી ઈન્સપાયર્ડ હતા. આ પ્રકારની કન્સેપ્ટ જ્વેલરી હંમેશથી જ માનુનીઓની ફેવરિટ રહી છે. આ વિશે કક્ષા શાહ કહે છે, ‘લોકો એવી જ્વેલરી પસંદ કરે છે જે આધુનિક હોય અને સાથે વર્સટાઇલ પણ. લગ્નમાં પહેરેલી જ્વેલરી એ પછી પણ કામ લાગવી જોઈએ. આજ-કાલ જ્વેલરીમાં યંગ બ્રાઇડ્સ ડિટૅચેબલ જ્વેલરી પસંદ કરે છે જેમાં નેકલેસનું પેન્ડન્ટ પછીથી ચેઇન સાથે પણ પહેરી શકાય અથવા મોટા ઇઅર-રિંગ્સ નાનાં સ્ટડ્સ તરીકે પહેરી શકાય.’
ડિઝાઇનની વાત કરીએ તો ડાયમન્ડ જ્વેલરીમાં ડિઝાઇન લોકો સિમ્પલ વધુ પસંદ કરે છે. તાજેતરમાં માધુરી દીક્ષિતે આઇફા અવૉર્ડ્સ વખતે પહેર્યા હતા એવા મોટા હુપ્સ કે પછી ડ્રૉપ શેપનાં ઇઅર-રિંગ્સ ટ્રેન્ડમાં છે. એ સિવાય મોટા સૉલિટેર સ્ટડ ઑલ ટાઇમ ફેવરિટ છે. નેકલેસમાં હવે ગોલ્ડ અને મોતીવાળા કન્સેપ્ટ પણ ડાયમન્ડ જ્વેલરીમાં ઇન છે. જેમ કે ડાયમન્ડનો સતલડી નેકલેસ કે પછી મલ્ટિલેયર ચોકર.
ડાયમન્ડ સાથે કૉમ્બિનેશન | ડાયમન્ડની જ્વેલરી બીજી મેટલ સાથે પણ ખૂબ સારી લાગે છે. સિલ્વર, વાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને યલો ગોલ્ડ સાથે ડાયમન્ડ સુંદર લુક આપે છે. એ સિવાય કલર સ્ટોન સાથે પણ ડાયમન્ડ્સ પહેરી શકાય. જોકે પ્યૉર વાઇટ ડાયમન્ડ્સ પહેલી પસંદગી છે. આ વિશે કક્ષા શાહ કહે છે, ‘કલરલેસ અને વાઇટ ડાયમન્ડની ખાસિયત એ છે કે એ બીજી કોઈ પણ જ્વેલરી પહેરી હોય તો એની સાથે પણ પર્ફેક્ટ્લી મૅચ થઈ જાય છે.’
પ્રસંગ | ડાયમન્ડ જ્વેલરીને લોકો ઈવનિંગ વેઅર અથવા પાર્ટીવેઅર તરીકે પહેરે છે જ્યાં લુક થોડો ફ્યુઝન કે વેસ્ટર્ન હોય. પણ સોબર લુક જોઈતો હોય ત્યારે ટ્રેડિશનલ લુકમાં પણ હીરાના દાગીના પહેરી શકાય. ખાસ કરીને પોલકી અને અનકટ ડાયમન્ડ્સ બ્રાઇડલ જ્વેલરીમાં ખાસ છે. બાંધણી કે પટોળા સાથે પણ અનકટ ડાયમન્ડ સારા જ લાગશે.
ડાયમન્ડ એક ઇન્વેસ્ટમેન્ટ? | ગોલ્ડ જ્વેલરી મોટા ભાગે એની બાયબૅક વેલ્યુ અને ફ્યુચરમાં ક્યારેક કામ આવશે એવું વિચારીને ખરીદવામાં આવે છે. પણ શું ડાયમન્ડમાં પણ એવું છે? એ વિશે જણાવતાં કક્ષા શાહ કહે છે, ‘પોતાની પાસે હીરાની જ્વેલરી હોય એ દરેક સ્ત્રીની ઉત્કંઠા હોય છે. આ સમયે એની બાયબૅક વૅલ્યુનો વિચાર નથી થતો. ડાયમન્ડ જ્વેલરી હેઅરલૂમ પીસ તરીકે પેઢી દર પેઢી પાસ થાય છે. જો ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ ડાયમન્ડ્સ લેવા હોય તો પછી જ્વેલરી નહીં, સૉલિટેર્સ લેવાં જેની બાય બૅક વૅલ્યુ મળશે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)