Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > કોવિડના નવા ઉચાટ અને વ્યાજદરમાં વધારાની ભીતિ વચ્ચે બજારે પ્રારંભિક નબળાઈ પચાવી

કોવિડના નવા ઉચાટ અને વ્યાજદરમાં વધારાની ભીતિ વચ્ચે બજારે પ્રારંભિક નબળાઈ પચાવી

Published : 07 June, 2022 02:32 PM | Modified : 20 December, 2023 03:43 PM | IST | Mumbai
Anil Patel

સાઉદીનો ભાવવધારો ઑઇલ ઇન્ડિયાને ફળ્યો, શૅર ૧૧ ટકા ઊછળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. Key Highlights 1
  2. Key Highlights 2
  3. Key Highlights 3

મલ્ટિપ્લેક્સ, મૉલ્સ અને રીટેલના સિલેક્ટિવ શૅરમાં નરમાઈ : ડ્યુકોન ઇન્ફ્રાટેક્નો. ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પ્રવેશતાં શૅરમાં ઝમક : આઇટી સેક્ટરના મોટા ભાગના શૅર ઘટવા છતાં બેન્ચમાર્કમાં સામાન્ય પીછેહઠ : અદાણીના શૅર ફરીથી બાઇંગ સપોર્ટમાં, રિલાયન્સ અડધો ટકો ડાઉન : ઇન્ફી અડધો ટકો વધ્યો તો સામે ટીસીએસ સાધારણ ઘટાડામાં બંધ, એલઆઇસી ત્રણેક ટકા ગગડી નવા ઑલટાઇમ તળિયે


વહેલા અને સારા મૉન્સૂનના વરતારા થતા હતા ત્યાં હવે હીટ-વેવ ચાલુ રહેવાની નવી આગાહીઓ આવવા માંડી છે. ક્રૂડ ઉત્પાદનમાં જુલાઈ-ઑગસ્ટ દરમ્યાન દૈનિક ૬.૪૦ લાખ બેરલનો વધારો કરવાના નિર્ણય કે આશ્વાસન સાથે ઑપેક પ્લસનો મેળાવડો પૂરો થઈ ગયો. ક્રૂડ ઘટવાના બદલે વધીને ૧૨૧ ડૉલરને વટાવી ગયું છે. બીજી તરફ સાઉદીએ એશિયન બાયર્સ માટે તેના અરબ લાઇટ ગ્રેડ ક્રૂડના વેચાણભાવ આવતા મહિનાથી ૨.૧૦ ડૉલર વધારી નાખ્યા છે. એશિયન બજારો સોમવારે સિમિત વધ-ઘટે મિશ્ર હતા પરંતુ હૉન્ગકૉન્ગ પોણાત્રણ ટકા અને ચાઇના સવા ટકો મજબૂત રહ્યા છે. યુરોપ પણ પોણાથી દોઢેક ટકો ઉપર દેખાતું હતું. ઘરઆંગણે નાણાનીતિની સમીક્ષા માટે રિઝર્વ બૅન્કની ત્રણ દિવસની બેઠક શરૂ થઈ ગઈ છે. (આ લોકો ત્રણ-ત્રણ દિવસ સુધી શું ચર્ચા કરતા હશે?) આઉટકમ ૮ જૂને આવશે જેમાં વ્યાજદરનો વધારો નક્કી મનાય છે. કેટલો તે જોવું રહ્યું. વ્યાજદરના વધારાની સાથે ફુગાવાના મામલે રિઝર્વ બૅન્કનું નવું આકલન કેવું આવે છે તેના પર સૌની નજર છે. શૅરબજાર દિવસ દરમ્યાન સવાપાંચસો પૉઇન્ટ જેવી રેન્જમાં ઉપર-નીચે થઈ છેલ્લે ૯૪ પૉઇન્ટની કમજોરીમાં ૫૫,૬૭૫ તથા નિફ્ટી માંડ ૧૫ પૉઇન્ટના પરચૂરણ ઘટાડે ૧૬,૫૬૯ ઉપર બંધ થયો છે. રોકડું થોડુંક વધુ નબળું હોઈ માર્કેટ બ્રેડ્થ વીક રહી છે. એનએસઈ ખાતે ૧૮૦૭ શૅર સુધારામાં હતા, સામે ૧૨૮૭ કાઉન્ટર ઘટ્યાં છે. બન્ને બજારોના સેક્ટોરલ્સ સાંકડી વધ-ઘટમાં હતા. મેટલ ઇન્ડેક્સ પોણો એક ટકો પ્લસ હતો. રિયલ્ટી અને મીડિયા બેન્ચમાર્ક લગભગ આટલા જ નરમ હતા. 
બજાજ ઑટો બેસ્ટ ગેઇનર તો શ્રી સિમેન્ટ વર્સ્ટ પર્ફોર્મર રહ્યા 
સેન્સેક્સના ૩૦માંથી ૯ તથા નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર સુધર્યા છે. તાતા સ્ટીલ એકાદ ટકો વધી ૧૦૭૮ના બંધમાં સેન્સેક્સ ખાતે અગ્રક્રમે હતો જ્યારે એશિયન પેઇન્ટસ સવાબે ટકા ઝંખવાઈ ૨૮૧૯ની નીચે બંધ આપી ટૉપ લુઝર બન્યો છે. નિફ્ટી ખાતે બજાજ ઑટો ચાર ટકા કે ૧૪૭ રૂપિયાના જમ્પમાં ૩૮૨૦ બંધ આપીને ટૉપ પર્ફોર્મર રહ્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૭ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૭ ટકા, ઓએનજીસી, સિપ્લા અને યુપીએલ દોઢ-દોઢ ટકો પ્લસ હતા, જ્યારે શ્રી સિમેન્ટસ ૧૯,૯૧૩ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી ૬૪૮ રૂપિયા કે ત્રણ ટકાથી વધુ તરડાઈ ૧૯,૯૯૦ના બંધમાં અહીં ટૉપ લુઝર હતો. ભારત પેટ્રો ૨.૬ ટકા, અલ્ટ્રાટેક પોણાબે ટકા, હીરો મોટોકોર્પ ૧.૬ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ, કોલ ઇન્ડિયા તથા આઇશર સવા ટકાની આસપાસ ડાઉન હતા. રિલાયન્સ ઉપરમાં ૨૮૧૪ નજીક જઈ પીછેહઠમાં ૨૭૫૧ બતાવી અડધો ટકો ઘટીને ૨૭૬૭ રહ્યો છે. અદાણી ગ્રુપના મોટા ભાગના શૅર સુધારામાં હતા. અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૯૮ થયો છે. અદાણી વિલ્મર સવાબે ટકા, અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશન સાડાત્રણ ટકા તથા અદાણી એન્ટર પોણાબે ટકા મજબૂત હતા. અદાણી ગ્રીનમાં પોણાત્રણ ટકાની નરમાઈ આગળ વધી છે. અનિલ અંબાણી ગ્રુપ (હવે રહ્યા છે ખરું?) ખાતે રિલાયન્સ કેપિટલ પોણો ટકો અને રિલા. ઇન્ફ્રા સવા ટકો નરમ હતા. રિલાયન્સ પાવર ૪.૪ ટકા વધ્યો છે. 
ડ્યુકોન ઇન્ફ્રાટેક્નો હવે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે, શૅરમાં ઝમક 
માર્ચ ક્વૉર્ટરમાં અગાઉની ખોટ ભૂંસીને નફા સાથે સારા પરિણામ આપ્યા બાદ ડ્યુકોન ઇન્ફ્રાટેક્નોલોજીઝે ગ્રીન હાઇડ્રોજન બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપ હાઇડ્રોફ્યુઅલ માટે કંપનીએ નવું ડિવિઝન સ્થાપવાની જાહેરાત કરી છે. તેની પૂર્ણ માલિકીની અમેરિકા ખાતેની સબસિડિયરી આ નવા ડિવિઝનનું કામકાજ તથા આરએન્ડડી સંભાળશે. આ અહેવાલ પાછળ શૅર ગઈ કાલે ચાર ટકા વધીને ૨૩ ઉપર બંધ થયો છે. ફેસવૅલ્યુ એકની છે. બન્ને બજાર ખાતે ૧૯ લાખ શૅરનું જંગી વૉલ્યુમ નોંધાયું હતું. બે વર્ષમાં આટલા કામકાજ પ્રથમવાર થયાં છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકાનું છે. દરમ્યાન વરુણ બિવરેજીસ બે શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ-બોનસ થતાં એક ટકો વધીને ૭૪૨ બંધ થયો છે. એનએસઈમાં બંધ ૭૩૩નો હતો. એયુ સ્મૉલ બૅન્ક શૅરદીઠ એક બોનસમાં ગુરુવારે એક્સ બોનસ થવાની છે. ભાવ પોણા ટકા જેવા સુધારામાં ૧૨૭૧ બંધ હતો તો જી.જી. એન્જિનિયરિંગ બેના શૅરના એકમાં વિભાજનમાં ૮ જૂને એક્સ સ્પ્લિટ થશે, શૅર ગઈ કાલે પાંચ ટકા તૂટી પાંચ રૂપિયા હતો. સત્યમ સિલ્ક એક શૅરદીઠ પાંચના રાઇટમાં એક્સરાઇટ થઇ છે, રાઇટ ભાવોભાવ છે. શૅરમાં ઘણા વખતથી સોદા નથી. 
ઑઇલ ઇન્ડિયા બુલિશ વ્યુમાં ૧૧ ટકાની તેજીમાં ટૉપ ગેઇનર 
સાઉદી તરફથી ક્રૂડના ભાવમાં બેરલદીઠ બે ડૉલરથી વધુના વધારાની હૂંફ સાથે એચડીએફસી સિક્યુ. દ્વારા ૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થતાં ઑઇલ ઇન્ડિયા છ ગણા વૉલ્યુમે ૨૭૮ બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ પર્ફોર્મર બન્યો છે. ઓએનજીસી દોઢ ટકો વધી ૧૫૪ હતો. ભારત પેટ્રો ૨.૭ ટકા અને હિન્દુ. પેટ્રો સવાબે ટકા ઘટ્યા છે. કોવિડના નવા કેસની સંખ્યા અણધારી વધીને સાડાત્રણ માસની ટોચે ૪૫૧૯ થતાં સોમવારે મલ્ટિપ્લેક્સ ઓપરેટર આઇનોક્સ લિઝર પોણાપાંચ ટકા તૂટી ૪૭૬ અને પીવીઆર પોણા બે ટકા ઘટી ૧૭૮૫ બંધ હતા. મૉલ ઓપરેટર્સ ડી-માર્ટ ફેમ એવન્યુ સુપર માર્ટ સવાબે ટકા, વી-માર્ટ રીટેલ ૬ ટકા, શૉપર્સ સ્ટોપ દોઢ ટકો, ફ્યુચર રીટેલ પાંચ ટકા, સ્પેન્સર પોણો ટકો, આદિત્ય બિરલા ફૅશન્સ ૦.૯ ટકા નરમ હતા. કોવિડ સ્કેરમાં થાયરોકૅર છ ટકા ઊંચકાઈને ૬૭૦ થયો છે. ડૉ. લાલ પેથલૅબ્સ ૧.૬ ટકા વધી ૨૧૭૭ હતો. જોકે મેટ્રોપોલિસમાં સવાબે ટકાની નરમાઈ જોવાઈ છે. ક્રિશ્ના ડાયગ્નોસ્ટિકસ સવાત્રણ ટકા ઘટ્યો છે અને વિજ્યા ડાયગ્નોસ્ટિકસ ૩૪૨ની ઑલટાઇમ નવી બૉટમ બતાવીને સવાચાર ટકા તૂટી ૩૪૪ રહ્યો છે. આઇપીઓ શૅરદીઠ ૫૩૧ના ભાવે ગત સપ્ટેમ્બરમાં આવ્યો હતો.
આઇટી, બૅન્કિંગ, ઑટો નહીંવત્ વધ-ઘટમાં : મેટલમાં સુધારો 
સોમવારે આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૫૦ શૅરની પીછેહઠ વચ્ચે ૬૩ પૉઇન્ટ જેવો સામાન્ય નરમ હતો. ઇન્ફી અડધો ટકો પ્લસ સામે ટીસીએસ થોડોક ઢીલો હતો. તાતા એલેક્સી ત્રણ ટકા વધી ૮૬૯૪ના બંધમાં અત્રે ટૉપ ગેઇનર થયો છે. નીટ, બ્રાઇટકૉમ, કોફોર્જ, બિરલા સોફ્ટ, તાન્લા સુબેક્સ, મેટ્રિમોની ત્રણથી પાંચ ટકા ડાઉન હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી ૬ શૅરના સુધારામાં ૩૫ પૉઇન્ટ વધ્યો છે. બંધન બૅન્ક અઢી ટકા પ્લસ હતી. બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૧૨ શૅર વધ્યા હતા. બૅન્ક ઑફ બરોડા બીએસઈ ખાતે ૧૦૨ના બંધમાં ફ્લૅટ હતી. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૩.૪ ટકા ખરડાઈ હતી. ડઝન સરકારી બૅન્કોમાંથી યુકો બૅન્ક જ વધી હતી અને તે પણ સામાન્ય મેટલ ઇન્ડેક્સ પોણો ટકો, એનએસઈ ખાતે એક ટકો અપ હતો. અત્રે રત્નમણિ મેટલ્સ સાડાછ ટકા, વેલકોર્પ ૪.૭ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૭ ટકા, જિંદલ સ્ટીલ ૧.૯ ટકા, વેદાન્તા સવા ટકો વધ્યા હતા. ઑટો ઇન્ડેક્સ ૫૪ પૉઇન્ટ જેવો સાધારણ સુધર્યો છે. અત્રે બજાજ ઑટો ૪ ટકા મજબૂત હતો. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૭માંથી ૪૦ શૅરના સુધારા વચ્ચે ફ્લૅટ રહ્યો છે. બ્લીસ જીવીકે સાડાછ ટકા, ગ્લેનમાર્ક લાઇફ પોણાછ ટકા, ઇન્ડોકો રેમેડીઝ સાડાપાંચ ટકા ઊંચકાયા છે. સનફાર્મા અને ડૉ. રેડ્ડીઝ લૅબ અડધો ટકો માઇનસ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 03:43 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK