શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની આજની ચૂંટણીમાં વધુ મતદાન થવાની શક્યતા

30 January, 2024 12:14 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન: પાંચ વાગ્યા સુધી મતદાન સેન્ટરમાં પહોંચેલા લોકોને મત આપવા દેવાશે : નવ વાગ્યા બાદ મતગણતરી શરૂ થવાની શક્યતા : મોડી રાત્રે પરિણામ જાહેર થશે

પ્રતીકાત્મક તસવીર

શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની આગામી ૨૦૨૨થી ૨૦૨૭નાં પાંચ વર્ષની ચૂંટણી માટે આજે મુંબઈ, પુણે અને વલસાડનાં પાંચ સેન્ટરમાં સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. અત્યારના પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખની પૅનલ આ ચૂંટણીના મેદાનમાં હોવાથી તેમણે વધુ મતદાન માટે પ્રયાસ કર્યા છે જેને પગલે આ ચૂંટણીમાં ૬૦ ટકા જેટલું મતદાન થવાની શક્યતા છે. 
શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણીના કમિશનર દામજી બોરીચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વખતની ચૂંટણી કરતાં આ વખતે વધુ રસાકસી થવાની શક્યતા છે એટલે વધુ મતદાન થઈ શકે છે. ૩૫થી ૩૭ હજાર મતદારોને બંને પૅનલે મતદાન કરવાની અપીલ કરી છે. સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાનનો સમય છે, પરંતુ પાંચ વાગ્યા સુધી મતદાન સેન્ટરના ગેટની અંદર પહોંચી ગયેલા મતદારો મત આપી શકશે. આથી સાતેક વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાની શક્યતા છે. નવ વાગ્યાની આસપાસ મતગણતરી સ્કૅનિંગ મશીનથી જ હાથ ધરવામાં આવશે. કોઈ વિવાદ કે ટેક્નિકલ ખામી ન સર્જાય તો રાતના ૧૨થી ૧૨.૩૦ વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી જશે.’
ઉલ્લેખનીય છે કે અત્યારે પ્રમુખ છે એ નાગજી રીટાની આગેવાનીની વાગડ પૅનલ (ચૂંટણીનું નિશાન – ઊગતો સૂરજ) અને ૨૦૦૬થી ૨૦૧૭ સુધી પ્રમુખપદે રહેલા લક્ષ્મીચંદ ચરલાના નેતૃત્વ હેઠળની એકતા પૅનલ (ચૂંટણીનું નિશાન – સિંહ) એકબીજાની સામે લડી રહી છે. આ બંને નેતાઓએ તેમની પૅનલો જ આ ચૂંટણીમાં વિજયી બને એ માટેના પ્રયાસ કર્યા છે. આ બંને પૅનલોના ૧૧-૧૧ ઉમેદવારોની સામે બીજા ૧૧ ઉમેદવારોએ આ વખતની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે.

Mumbai mumbai news prakash bambhrolia