સ્વપ્નિલ અને આશીની ભારતીય જોડીએ થ્રી પોઝિશન મિક્સ્ડ રાઈફલ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ

04 June, 2022 06:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બાકુ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે

તસવીર સૌજન્ય: પીટીઆઈ

અઝરબૈજાનના બાકુમાં રમાઈ રહેલા ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં સ્વપ્નિલ કુસલે અને આશિ ચોકસીની જોડીએ અદ્દભૂત પ્રદર્શન કર્યું છે. તેમણે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ બંનેએ ફાઇનલમાં યુક્રેનની સેરહી કુલિશ અને ડારિયા તિખોવાની જોડીને 16-12થી હાર આપી હતી.

બાકુ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. અગાઉ, ઇલાવેનિલ વાલારિવન, શ્રેયા અગ્રવાલ અને રમિતાની ત્રિપુટીએ 10 મીટર એર રાઇફલ મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ત્રણ સિલ્વર મેડલ પણ જીત્યા હતા. ભારતીય ટીમ મેડલ ટેલીમાં બીજા ક્રમે રહી હતી. પ્રથમ સ્થાને કોરિયન ટીમ રહી હતી.

આ મેડલ સાથે સ્વપ્નીલે બાકુ શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રીજો મેડલ જીત્યો હતો. આ તેનો પહેલો ગોલ્ડ હતો. અગાઉ સ્વપ્નીલે મેન્સ રાઈફલ 3 પોઝિશન અને મેન્સ ટીમ કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મિક્સ થ્રી પોઝિશન રાઈફલ ઈવેન્ટમાં સ્વપ્નિલ અને આશી ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 900માંથી 881 અંક મેળવ્યા હતા, જેમાં 31 ટીમોએ ભાગ લીધો હતો.

ફાઇનલમાં યુક્રેનિયન જોડીએ જોરદાર શરૂઆત કરી અને ભારતીય જોડી પર 6-2ની સરસાઈ મેળવી લીધી. જોકે, તે પછી ભારતે પુનરાગમન કર્યું અને આગામી આઠમાંથી છ શ્રેણી જીતીને સ્કોર 14-10 કર્યો. સેરહી અને દરિયાએ હાર ન માની અને અંતરને 14-12 સુધી ઘટાડ્યું. જો કે આ પછી ભારતીય ટીમે પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી હતી.

આ પહેલા ભારતીય શૂટરોએ કૈરોમાં આયોજિત વર્લ્ડ કપના પ્રથમ ચરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી, રાયફલ અને પિસ્તોલ ટીમે એપ્રિલમાં રિયોમાં શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લીધો ન હતો. બાકુમાં 12 સભ્યોની રાઈફલ ટુકડીએ ભાગ લીધો હતો. શોટગન ટીમે પણ વર્લ્ડ કપના બે તબક્કામાં ભાગ લીધો હતો અને એક-એક મેડલ જીત્યો હતો.

હવે ભારતીય રાઈફલ, પિસ્તોલ અને શોટગન ટીમો આવતા મહિને યોજાનાર ચોથા અને અંતિમ ચાંગવોન વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ પછી વર્ષના અંતમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ રમાશે.

sports news