31 May, 2022 12:55 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નડાલ-જૉકોવિચ
પૅરિસની ફ્રેન્ચ ઓપન ટેનિસમાં વિશ્વના પાંચમા ક્રમાંકિત રાફેલ નડાલ અને કટ્ટર હરીફ નંબર વન નોવાક જૉકોવિચ વચ્ચે આજે ક્વૉર્ટર ફાઇનલ રમાશે. નડાલે રવિવારે પ્રી-ક્વૉર્ટરમાં ફેલિક્સ ઑગર-ઍલિયાસિમીને પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૩-૬, ૬-૩, ૬-૨, ૩-૬, ૬-૩થી હરાવ્યો હતો. બીજી પ્રી-ક્વૉર્ટરમાં જૉકોવિચે ડિયેગો શ્વૉર્ટમૅનને ૬-૧, ૬-૩, ૬-૩થી હરાવ્યો હતો. નડાલ-જૉકોવિચ ૨૦૦૬થી અત્યાર સુધી ૫૮ વાર સામસામે રમ્યા છે, જેમાં જૉકોવિચ ૩૦-૨૮થી આગળ છે. ક્વૉર્ટરમાં કાર્લોસ અલ્કારેઝ અને ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે પણ મુકાબલો થશે.
ભારતીય ઑલિમ્પિયન સ્વિમર માના પટેલે ફ્રાન્સની મેર નૉસ્ટ્રમ સ્વિમિંગ હરીફાઈના કૅનેટ તબક્કામાં મહિલાઓની ૧૦૦ મીટર બૅકસ્ટ્રૉક ઇવેન્ટમાં રવિવારે ‘બેસ્ટ ઇન્ડિયન ટાઇમ’ નોંધાવ્યો હતો. બાવીસ વર્ષની માના ગુજરાતની છે અને તેનો ૦૧ઃ૦૩.૬૯નો ટાઇમિંગ હતો. તેનો અગાઉનો ટાઇમિંગ ૦૧ઃ૦૩.૭૭ હતો.