01 June, 2022 12:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શૂટિંગના વર્લ્ડ કપમાં ભારતને ટીમ ગોલ્ડ
અઝરબૈજાનના બાકુ શહેરમાં આયોજિત શૂટિંગની વિશ્વસ્પર્ધામાં ભારતની નિશાનબાજ એલાવેનિલ વેલારિવન, રામિતા અને શ્રેયા અગ્રવાલ ટીમ ગોલ્ડ જીતી છે. તેમણે આ સુવર્ણ ચંદ્રક ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ડેન્માર્ક અને પોલૅન્ડની ટીમને હરાવીને મેળવ્યો હતો. ભારતીય ટીમે ડેનમાર્કને ૧૭-૫ના તફાવતથી હરાવીને આ ઈવેન્ટમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.
એશિયા કપ હૉકીના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે ગઈ કાલે જકાર્તામાં સુપર-ફોર રાઉન્ડની ડુ ઑર ડાય જેવી મૅચની ૪-૪ની થ્રિલિંગ ડ્રૉને કારણે ફાઇનલમાં પહોંચવાની સોનેરી તક ગુમાવી દીધી હતી. સાઉથ કોરિયા સામે ભારત જો જીત્યું હોત તો આપોઆપ ફાઇનલમાં ગયું હોત, પરંતુ મૅચ ડ્રૉમાં જતાં ત્રીજા નંબરના દેશ મલેશિયાને ફાઇનલમાં પહોંચવા મળ્યું હતું. મલેશિયાની કોરિયા સામે ફાઇનલ રમાશે. ભારત વતી ગઈ કાલે નીલમ સંજીપ ઝેસ, મનિન્દર સિંહ, શેશે ગોવડા અને મારીશ્વરન શક્તિવેલે ગોલ કર્યો હતો. ભારત હવે આજે જપાન સામે બ્રૉન્ઝ મેડલ માટેની મૅચ રમશે.
આવતી કાલે ક્રિકેટના મક્કા ગણાત લૉર્ડ્સમાં બેન સ્ટૉક્સની આગેવાનીમાં ઇંગ્લૅન્ડ અને કેન વિલિયમસનના નેતૃત્વમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની ટીમ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થવાની છે, પરંતુ લૉર્ડ્સના સ્ટેડિયમની હજારો ટિકિટ હજી વેચાઈ નથી. સોમવાર સાંજ સુધીમાં ટેસ્ટના પહેલા ચાર દિવસની કુલ ૨૦,૦૦૦ ટિકિટ વેચાયા વિનાની પડી હતી. પ્રત્યેક ટિકિટનો ભાવ ૧૦૦ પાઉન્ડ (અંદાજે ૯૮૦૦ રૂપિયા)થી ૧૬૦ પાઉન્ડ (૧૫,૬૦૦ રૂપિયા) છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને કહ્યું કે ‘લૉર્ડ્સની હજારો ટિકિટ વેચાયા વિના પડી રહેવાની બાબત ક્રિકેટ માટે શરમજનક કહેવાય. જો ટિકિટના ભાવ તોતિંગ ન રખાયા હોત તો હોમ ઑફ ક્રિકેટ લૉર્ડ્સના સ્ટેડિયમની ટિકિટો વેચાઈ ગઈ હોત.’
પાકિસ્તાનમાં વિપક્ષી રાજનેતાઓનાં (ખાસ કરીને ઇમરાન ખાનના સરઘસ સહિતનાં) સંભવિત આંદોલનોને ધ્યાનમાં લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આવતા મહિને વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી વન-ડે સિરીઝની મૅચો રાવલપિંડીથી હટાવીને મુલતાનમાં રાખી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ પ્રમુખ ઇમરાન ખાનના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ ઇસ્લામાબાદમાં દેખાવ કરવાના છે.