News In Shorts: ઇંગ્લૅન્ડની ૬૦ વર્ષે ફુટબૉલમાં હંગેરી સામે હાર

06 June, 2022 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની ફુટબૉલ ટીમ હંગેરી સામે હારી હોય એવું ૬ દાયકામાં પહેલી વાર બન્યું છે.

ઇંગ્લૅન્ડની ૬૦ વર્ષે ફુટબૉલમાં હંગેરી સામે હાર

ઇંગ્લૅન્ડની ૬૦ વર્ષે ફુટબૉલમાં હંગેરી સામે હાર
નેશન્સ લીગ ફુટબૉલમાં શનિવારે રોમમાં હંગેરીએ ઇંગ્લૅન્ડને ૧-૦થી હરાવીને ઐતિહાસિક વિજય સાથે સનસનાટી મચાવી હતી. ઇંગ્લૅન્ડની ફુટબૉલ ટીમ હંગેરી સામે હારી હોય એવું ૬ દાયકામાં પહેલી વાર બન્યું છે. મૅચનો એકમાત્ર ગોલ હંગેરીના ડૉમિનિક ઝોબોઝલાઇએ પેનલ્ટીની મદદથી કર્યો હતો. આ પહેલાં હંગેરીએ ઇંગ્લૅન્ડને છેક ૧૯૬૨ના વર્લ્ડ કપમાં હરાવ્યું હતું.

અફઘાનિસ્તાને યજમાન ઝિમ્બાબ્વેને ૬૦ રનથી હરાવ્યું
હરારેમાં યજમાન ઝિમ્બાબ્વેને અફઘાનિસ્તાને શનિવારે પ્રથમ વન-ડેમાં ૬૦ રનથી હરાવીને ૩ મૅચની શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. અફઘાને મૅન ઑફ ધ મૅચ રેહમત શાહ (૯૪) અને હશમતુલ્લા શાહિદી (૮૮) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૧૮૧ રનની ભાગીદારીની મદદથી પાંચ વિકેટે ૨૭૬ રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેના પેસ બોલર બ્લેસિંગ મુઝરાબનીનો ચાર વિકેટનો તરખાટ એળે ગયો હતો, કારણ કે ઝિમ્બાબ્વેની ટીમ ફક્ત સિંકદર રઝા (૬૭)ની હાફ સેન્ચુરીને કારણે ૫૦મી ઓવરના આખરી બૉલ પર માત્ર ૨૧૬ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર ઉમર ગુલના કોચિંગમાં તૈયાર થયેલા બોલર્સમાંથી મોહમ્મદ નબીએ ચાર, ફઝલહક ફારુકીએ બે અને આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના ચૅમ્પિયન બનેલા રાશિદ ખાને પણ બે વિકેટ લીધી હતી. 

નેધરલૅન્ડ્સ સામે વેસ્ટ ઇન્ડીઝની ૩-૦થી ક્લીન સ્વીપ
વેસ્ટ ઇન્ડીઝે ઍમ્સ્ટલવીનમાં નેધરલૅન્ડ્સ સામે વન-ડે સિરીઝની છેલ્લી મૅચમાં ૨૦ રનથી વિજય મેળવીને ૩-૦થી એનો વાઇટવૉશ કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે મૅન ઑફ ધ મૅચ કાઇલ મેયર્સ (૧૨૦ રન, ૧૦૬ બૉલ, સાત સિક્સર, આઠ ફોર) અને શમાર બ્રુક્સ (અણનમ ૧૦૧, ૧૧૫ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની ૧૮૪ રનની પાર્ટનરશિપની મદદથી પાંચ વિકેટે ૩૦૮ રન બનાવ્યા હતા. નેધરલૅન્ડ્સની ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૮૮ રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ૨૦ રનથી પરાજિત થઈ હતી.

sports news football