રુડને હરાવીને નડાલને મોટી ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતવાનો રેકૉર્ડ બનાવવાની તક

11 May, 2023 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્પેનના ખેલાડીએ કહ્યું, પગની ઈજા વકરી તો ફાઇનલ છોડવા માટે પણ તૈયાર

ફ્રેન્ચ ઓપનની મૅચ દરમ્યાન રાફેલ નડાલ અને કૅસ્પર રુડ

૩૬ વર્ષનો રાફેલ નડાલ કુલ ૧૪મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં રમશે તેમ જ તેની ૩૦મી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ હશે. વળી આ જીતથી ૨૨ ગ્રૅન્ડ સ્લૅમ તેના નામ પર થશે. પૅરિસમાં આ ટાઇટલ જીત્યાનાં ૧૭ વર્ષ બાદ તે ફરી એક વખત ફાઇનલ રમશે. નડાલની તેની કરીઅરમાં સૌથી વધારે પીડા આપનાર ડાબા પગની ઈજા ગયા મહિને રોમમાં ફરીથી ગંભીર બની હતી. પરિણામે તે ફ્રેન્ચ ઓપન રમશે કે નહીં એ વિશે પણ પ્રશ્ન ઊભો થયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે હું ફાઇનલ હારવાનું પસંદ કરીશ અને નવો પગ મુકાવીશ. આમ તેણે પોતાની ઈજા કોઈથી છુપાવી નથી. રવિવારે ફાઇનલમાં પહોંચતાં પહેલાં તેણે ક્વૉર્ટર ફાઇનલમાં નોવાક જૉકોવિચને હરાવવા માટે કુલ ચાર કલાક લીધા હતા તો સેમી ફાઇનલમાં ત્રણ કલાક બાદ પગની ઘૂંટીની ઈજાને કારણે ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવે મૅચ અધવચ્ચે છોડી હતી. આમ નડાલનો માર્ગ સરળ નહીં હોય. નડાલ ૨૦૦૫માં પહેલી વખત ફ્રેન્ચ ઓપન જીત્યો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની હતી. 

આદર્શ સામે ટક્કર
બીજી તરફ કૅસ્પર રુડ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર નોર્વેનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે યુએસ ઓપન ચૅમ્પિયન મારિન ક્લીકને ૩-૬, ૬-૪, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો. ૨૩ વર્ષનો આ ખેલાડી અત્યાર સુધી કોઈ પણ મહત્ત્વની ટુર્નામેન્ટમાં ચોથા રાઉન્ડની આગળ વધી શક્યો નહોતો. તેના પપ્પા ક્રિસ્ટિયાન પણ ૧૯૯૧થી ૨૦૦૧ સુધી પ્રોફેશનલ ટેનિસ ખેલાડી રહી ચૂક્યા છે. રુડ ૨૦૧૮થી તેના પપ્પા સાથે નડાલની ઍકૅડેમીમાં તાલીમ લઈ ચૂક્યો છે. જોકે ક્યારેય તેમનો આમનો-સામનો થયો નથી. જોકે રુડે સ્વીકાર્યું હતું કે જ્યારે પણ પ્રૅક્ટિસમાં અમારો સામનો થયો છે ત્યારે નડાલે મને હરાવ્યો છે. નડાલ જ્યારે પહેલી વખત ચૅમ્પિયન બન્યો ત્યારે રુડ માત્ર છ વર્ષનો હતો. તેણે કહ્યું હતું કે સ્પેનનો આ ખેલાડી મારા માટે આદર્શ સમાન છે. તેણે કઈ-કઈ ફાઇનલ રમી છે, કોને-કોને હરાવ્યો છે એ હું બધું જ કહી શકું છું. નડાલ જો આ મૅચ જીતી જાય તો પહેલી વખત પોતાના કરીઅરમાં ઑસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન બન્ને પહેલી વખત જીતશે. 

નવો રેકૉર્ડ
જો આજે રમાનારી મૅચ જીતી જાય તો તે આ ટુર્નામેન્ટ જીતનાર સૌથી વધુ વયનો ખેલાડી હશે.

અગાઉ સ્પેનના એન્ડ્રેસ ગિમેનોએ ૩૪ વર્ષની ઉંમરમાં આ ટાઇટલ જીત્યું હતું. એના કુલ આઠ પૈકી ૭ ટાઇટલ્સ ફ્રેન્ચ ઓપનના જ હતા. 

111
નડાલ અત્યાર સુધી ફ્રેન્ચ ઓપનમાં આટલી મૅચ જીત્યો છે અને માત્ર ત્રણ મૅચ જ હાર્યો છે. 

sports sports news french open