સાઉથ આફ્રિકનો કોવિડ-ટેસ્ટમાં પાસ : સ્પિનરોની કસોટી શરૂ

04 June, 2022 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત સામેની ટી૨૦ સિરીઝ માટે દિલ્હીમાં શમ્સી, મહારાજ, માર્કરમની અથાક પ્રૅક્ટિસ

સાઉથ આફ્રિકનો કોવિડ-ટેસ્ટમાં પાસ : સ્પિનરોની કસોટી શરૂ

ગુરુવાર, ૯ જૂને પાટનગર દિલ્હીમાં ભારત સામે રમાનારી પાંચ મૅચવાળી સિરીઝની પ્રથમ ટી૨૦ માટે સાઉથ આફ્રિકન ખેલાડીઓએ ગઈ કાલે જોરદાર પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.
તમામ સાઉથ આફ્રિકન ખેલાડીઓએ આરટી-પીસીઆર ટેસ્ટ ક્લિયર કરી છે. તમામના કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
મિડલ-ઑર્ડર બૅટર ટેમ્બા બવુમા પ્રવાસી ટીમનો કૅપ્ટન છે, પરંતુ ગઈ કાલના સેશનમાં પ્રૅક્ટિસ કરી રહેલા ખેલાડીઓ પર સૌથી વધુ દેખરેખ વિકેટકીપર અને ઓપનિંગ બૅટર ક્વિન્ટન ડિકૉકે રાખી હતી. ટબ્રેઝ શમ્સી અને કેશવ મહારાજ બન્ને લેફ્ટ-આર્મ સ્પિનર છે અને તેમણે પ્રૅક્ટિસમાં મોટા ભાગે રાઇટ એરિયામાં બૉલ ફેંકીને બૅટર્સને મુસીબતમાં મૂક્યા હતા. એઇડન માર્કરમ ઑફ-સ્પિનર છે અને તેના સ્પિન (સ્પૉટ-બોલિંગ)ની પણ દિલ્હીના સેશન્સમાં કસોટી થઈ રહી છે.
ભારતમાં મોટા ભાગે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ હોય છે એટલે એના પર સફળ થવા માટે સાઉથ આફ્રિકન સ્પિનરો અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. દિલ્હીની પ્રથમ મૅચ બાદ પછીની ચાર મૅચ અનુક્રમે કટક (૧૨ જૂન), વિશાખાપટનમ (૧૪ જૂન), રાજકોટ (૧૭ જૂન) અને બૅન્ગલોર (૧૯ જૂન)ના મેદાન પર રમાવાની છે.
મીડિયમ પેસ બોલર વેઇન પાર્નેલ પાંચ વર્ષે ટી૨૦ ટીમમાં કમબૅક કરી રહ્યો હોવાથી તેની પણ ભારત સામે કસોટી થવાની હોવાથી દિલ્હીની પ્રૅક્ટિસમાં તેના પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મિલર પહોંચ્યો મૉલદીવ્ઝ
સાઉથ આફ્રિકાની ટી૨૦ ટીમ ભારત આવી છે, પરંતુ આઇપીએલમાં રમેલા સાઉથ આફ્રિકન ખેલાડીઓને નાનો બ્રેક આપવામાં આવ્યો છે અને તેઓ બે-ત્રણ દિવસમાં ટીમ સાથે જોડાશે. ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સનો સ્ટાર-બૅટર ડેવિડ મિલર મોલદીવ્ઝ પહોંચી ગયો છે અને ત્યાં હૉલિડેઝ માણી રહ્યો છે.

cricket news sports news sports