પારકરની ડેબ્યુમાં સદી : મુંબઈ પહેલા જ દિવસે મજબૂત સ્થિતિમાં

07 June, 2022 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાઇટ-હૅન્ડ બૅટર પારકરે ફુટવર્કની કમાલ સાથે ૨૧૮ બૉલની આ અણનમ ઇનિંગ્સમાં બે સિક્સર અને આઠ ફોર ફટકારી હતી

સુવેદ પારકર

બૅન્ગલોર નજીકના અલુર ખાતે ગઈ કાલે મુંબઈએ ઉત્તરાખંડ સામેની પાંચ દિવસીય રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલના પ્રારંભિક દિવસે ૩ વિકેટે જે ૩૦૪ રન બનાવ્યા હતા એમાં ૨૧ વર્ષના નવોદિત બૅટર સુવેદ પારકરના અણનમ ૧૦૪ રન સામેલ હતા. પારકર રણજીના ડેબ્યુમાં સદી ફટકારનાર પોતાના જ કૅપ્ટન પૃથ્વી શૉ અને કોચ અમોલ મઝુમદારની બરાબરીમાં આવી ગયો છે.

રાઇટ-હૅન્ડ બૅટર પારકરે ફુટવર્કની કમાલ સાથે ૨૧૮ બૉલની આ અણનમ ઇનિંગ્સમાં બે સિક્સર અને આઠ ફોર ફટકારી હતી. ભારતની અન્ડર-19 ટીમ વતી રમી ચૂકેલા પારકરને એક જીવતદાન મળ્યું હતું. તેણે અરમાન જાફર (૬૦ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૧૧૨ રનની અને પછી સરફરાઝ ખાન (અણનમ ૬૯) સાથે ૧૨૮ રનની અતૂટ ભાગીદારી કરી હતી. ખુદ કૅપ્ટન પૃથ્વી શૉ ૨૧ રન બનાવી શક્યો હતો, જ્યારે આઇપીએલની રનર-અપ રાજસ્થાન રૉયલ્સનો યશસ્વી જૈસવાલ ૬ ફોરની મદદથી ૩૫ રન બનાવી શક્યો હતો. મુંબઈની ત્રણેય વિકેટ ઉત્તરાખંડના પેસ બોલર દીપક ધાપોલાએ લીધી હતી. બીજા ૬ બોલરને વિકેટ નહોતી મળી.

9
ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સનો શુભમન ગિલ ગઈ કાલે રણજીમાં પંજાબ વતી ફક્ત આટલા રન બનાવીને આઉટ થયો હતો.

અન્ય ક્વૉર્ટર ફાઇનલ્સમાં મયંક, પાન્ડે અને શુભમન ગિલ ફ્લૉપ

(૧) બૅન્ગલોરમાં ઝારખંડ સામે બેંગાલે સુદીપ ઘરામીના અણનમ ૧૦૬ રન અને અનુસ્તુપ મજુમદારના અણનમ ૮૫ રનની મદદથી એક વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા.
(૨) અલુરમાં ઉત્તર પ્રદેશ સામે કર્ણાટકે ૨૧૩ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગરવાલ માત્ર ૧૦ રન, કૅપ્ટન મનીષ પાન્ડે ૨૭ રન અને કરુણ નાયર ૨૯ રન બનાવી શક્યો હતો. ઉત્તર પ્રદેશ વતી શિવમ માવીએ ત્રણ અને સૌરભ કુમારે ચાર વિકેટ લીધી હતી. આઇપીએલ-સ્ટાર યશ દયાલને ૩૭ રનમાં વિકેટ નહોતી મળી.
(૩) અલુરના અન્ય એક મેદાન પર મધ્ય પ્રદેશ સામે પંજાબની ટીમ ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સનો સ્ટાર-ઓપનર શુભમન ગિલ માત્ર ૯ રન બનાવીને આઉટ થયો હતો. પુનિત દાતે અને અનુભવ અગરવાલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

sports sports news cricket news ranji trophy mumbai uttarakhand