06 June, 2022 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૬ એપ્રિલે પુણેમાં મૅચના અંતે પરાગ અને હર્ષલ (ડાબે) વચ્ચે બોલાચાલી થઈ ત્યારે સિરાજ (જમણે) વચ્ચે પડ્યો હતો.
તાજેતરની આઇપીએલ દરમ્યાન બૅન્ગલોર અને રનર-અપ રાજસ્થાન વચ્ચેની એક મૅચ દરમ્યાન અંતિમ ઓવર પછી રાજસ્થાનના રિયાન પરાગ અને બૅન્ગલોરના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બાબતમાં પરાગે એક મુલાકાતમાં મૌન તોડ્યું છે.
એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ પરાગે કહ્યું હતું કે ‘ગયા વર્ષે અમે બૅન્ગલોર સામે રમેલા ત્યારે હર્ષલ પટેલે મને આઉટ કર્યા પછી હું જ્યારે પાછો જઈ રહ્યો હતો ત્યારે મને આંગળી બતાવીને જતા રહેવાનો ઇશારો કર્યો હતો. મેં હોટેલમાં જઈને રિપ્લેમાં એ જોયું ત્યારે હું ચોંકી ગયો હતો. આ વખતે મેં છેલ્લી ઓવરમાં તેના બૉલમાં બાઉન્ડરી માર્યા પછી તેની તરફ એવો જ ઇશારો કર્યો હતો. હું બીજું કંઈ નહોતો બોલ્યો. તેને કોઈ ગાળ પણ નહોતી આપી.
જોકે મોહમ્મદ સિરાજે બોલાવીને મને કંઈક કહ્યું. હર્ષલ કંઈ ન બોલ્યો, પણ મૅચ પછી સિરાજે મને કહ્યું, ‘એ અહીં આવ, તું સાવ બચ્ચા જેવો છે અને બચ્ચાની જેમ વર્તે છે. મેં સિરાજને કહ્યું, ભૈયા મેં તમને કંઈ નહોતું કહ્યું. પછીથી બન્ને ટીમના ખેલાડીઓ એકમેક સાથે હાથ મિલાવતા હતા ત્યારે હર્ષલે મારી સાથે હૅન્ડશેક કરવાનું ટાળ્યું હતું. મને થયું કે તે થોડો અપરિપક્વ છે.’