મુંબઈ ફેવરિટ, ઉત્તર પ્રદેશનો આઇપીએલના સિતારાઓ પર અને પંજાબનો યુવા વર્ગ પર મદાર

06 June, 2022 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી રણજી ટ્રોફીનો નૉકઆઉટ રાઉન્ડ ઃ વરસાદની આગાહી

શમ્સ મુલાની અને સરફરાઝ ખાન

આઇપીએલની શરૂઆત પહેલાં રણજી ટ્રોફીનો લીગ રાઉન્ડ પૂરો થયો હતો અને હવે આઇપીએલની સમાપ્તિ બાદ રણજીનો નૉકઆઉટ (પાંચ દિવસીય ક્વૉર્ટર ફાઇનલ) રાઉન્ડ આજે (સવારે ૯.૦૦ વાગ્યાથી) શરૂ થઈ રહ્યો છે. એમાં અલુરમાં મુંબઈની ટીમ ઉત્તરાખંડ સામે જીતવા માટે ફેવરિટ છે, જ્યારે અલુરમાં જ કર્ણાટક સામે ઉત્તર પ્રદેશનો આઇપીએલના સ્ટાર પ્લેયર્સ પર વધુ આધાર છે. બૅન્ગલોરમાં ઝારખંડ સામે રમનાર બેંગાલને કેમેય કરીને આ વખતે ટ્રોફી જીતવી છે. અલુરમાં મધ્ય પ્રદેશ સામે પંજાબની જીત સૌથી વધુ યુવા વર્ગના પર્ફોર્મન્સ પર નિર્ભર રહેશે.
આજે શરૂ થતી પાંચ દિવસીય રણજી મૅચોમાંની કોઈક મૅચમાં વરસાદ મજા બગાડી શકે છે.
મુંબઈને ૪૨મી ટ્રોફીની તલાશ
વિક્રમજનક ૪૧ વાર રણજી ટ્રોફીનો તાજ જીતી ચૂકેલી મુંબઈની ટીમ વધુ એક વાર ચૅમ્પિયન બનવા મક્કમ છે. આજની હરીફ ઉત્તરાખંડની ટીમ બાવીસ વર્ષ પહેલાં રણજીમાં અસ્તિત્વમાં આવી ત્યાં સુધીમાં મુંબઈ ૩૪ વાર ટ્રોફી જીતી ચૂકી હતી. ૨૦૦૦થી ૨૦૨૨ સુધીમાં મુંબઈએ બીજી ૭ ટ્રોફી મેળવી છે અને હવે પૃથ્વી શૉના સુકાનમાં આ વખતે એ જીતવા માગે છે. જો મુંબઈ ચૅમ્પિયન બનશે તો પૃથ્વી શૉએ ફેબ્રુઆરી ૨૦૧૮માં ભારતના અન્ડર-19 વર્લ્ડ કપની ટ્રોફી અપાવી ત્યાર પછીનું આ બીજું મોટું ચૅમ્પિયનપદ કહેવાશે. પૃથ્વીને આઇપીએલની રનર-અપ ટીમ રાજસ્થાન રૉયલ્સના યશસ્વી જૈસવાલનો સાથ મળી રહેશે તેમ જ અરમાન જાફર, દિલ્હી કૅપિટલ્સ વતી રમેલા સરફરાઝ ખાન, તેના ભાઈ મુશીર ખાન, ભૂપેન લાલવાણી તથા હાર્દિક તમોરેનો પણ સાથ મળશે. સરફરાઝ ખાનના ૫૫૧ રન નૉકઆઉટમાં રમતી ટીમના તમામ બૅટર્સમાં હાઇએસ્ટ છે.
અમોલ મુઝુમદારના કોચિંગવાળી મુંબઈની ટીમ પાસે વિકેટકીપર-બૅટર આદિત્ય તરે, ઑલરાઉન્ડર શમ્સ મુલાની અને ઑફ-સ્પિનર તનુષ કોટિયન પણ છે. મુલાનીની ૨૯ વિકેટ વર્તમાન સીઝનના બોલર્સમાં હાઇએસ્ટ છે. પેસ બોલર્સમાં મુંબઈ પાસે ધવલ કુલકર્ણી અને તુષાર દેશપાંડે ઉપરાંત મોહિત અવસ્થી અને રૉયસ્ટન દાસ જેવા વિકલ્પ પણ છે.
ઉત્તર પ્રદેશમાં સિલસિલાબંધ સિતારા
ત્રીજી માર્ચે મહારાષ્ટ્ર સામે ૬ વિકેટે જીતીને (વિદર્ભને બાજુએ રાખીને) ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચેલી કરણ શર્માના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશની ટીમ પાસે આજે કર્ણાટક વિરુદ્ધની ટીમમાં આઇપીએલના કેટલાક સિતારાઓ છે ઃ રિન્કુ સિંહ (કલકત્તા નાઇટ રાઇડર્સ), યશ દયાલ (ગુજરાત ટાઇટન્સ), મોહસિન ખાન (ચેન્નઈ સુપર કિંગ્સ) અને પ્રિયમ ગર્ગ (સનરાઇઝર્સ હૈદરાબાદ). બૅટર અક્ષદીપ નાથ ૩૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૬ સદીની મદદથી ૨૦૭૭ રન બનાવી ચૂક્યો છે. રિન્કુ સિંહ ઉત્તર પ્રદેશ વતી રણજીમાં ૩૦૦થી વધુ રન બનાવી ચૂક્યો છે. જોકે કર્ણાટક પાસે દેવદત્ત પડિક્કલ, મનીષ પાન્ડે, મયંક અગરવાલ અને કરુણ નાયર છે.
પંજાબમાં અર્શદીપ નથી, ગિલ છે
મધ્ય પ્રદેશ સામે રમનારી પંજાબની ટીમમાં આઇપીએલનો સ્ટાર પેસ બોલર અર્શદીપ સિંહ નથી, કારણ કે તે સાઉથ આફ્રિકા સામે ભારત વતી રમવાનો છે. તેની ગેરહાજરીમાં સિદ્ધાર્થ કૌલ પંજાબનો બોલિંગ-મોરચો સંભાળશે. ગુજરાત ટાઇટન્સનો ચૅમ્પિયન બૅટર શુભમન ગિલ પંજાબની બૅટિંગ લાઇન-અપમાં મુખ્ય સ્તંભ છે. બીજી તરફ મધ્ય પ્રદેશ પાસે આઇપીએલ-સ્ટાર રજત પાટીદાર છે જે આઇપીએલમાં બૅન્ગલોર વતી ઘણું સારું રમ્યો હતો. બૅટર યશ દુબે, સ્પિનર કુમાર કાર્તિકેય તથા પેસ બોલર કુલદીપ સેન અને અવેશ ખાન પણ છે.

મિનિસ્ટર મનોજ તિવારીને બેંગાલ માટે ટ્રોફી જોઈએ છે

પશ્ચિમ બંગાળના યુવા બાબતો અને ખેલકૂદ વિભાગના પ્રધાન મનોજ તિવારી બેંગાલની ટીમમાં છે. આજે બેંગાલની ઝારખંડ સામે શરૂ થનારી પાંચ દિવસીય મૅચમાં વૃદ્ધિમાન સાહા નથી છતાં અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વવાળી બેંગાલની ટીમ જીતવા માટે ફેવરિટ છે. તિવારી ત્રણ રણજી ફાઇનલમાં બેંગાલનો પરાજય જોઈ ચૂક્યો છે, પણ આ વખતે તે કેમેય કરીને બેંગાલને ટ્રોફી અપાવવા મક્કમ છે. ઑલરાઉન્ડર તિવારી ભારત વતી ૨૦૦૮થી ૨૦૧૫ દરમ્યાન ૧૨ વન-ડે અને ૩ ટી૨૦ રમી ચૂક્યો છે. સૌરભ તિવારી ઝારખંડનો કૅપ્ટન અને વિરાટ સિંહ વાઇસ-કૅપ્ટન છે.

sports news cricket news ranji trophy