બાળકના આગમન પહેલાં જ આ મહિલાએ મુલાકાતીઓ માટે કડક કાયદાની યાદી તૈયાર કરી

05 June, 2022 10:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

મેસીના નિયમોમાં પહેલો અને અગત્યનો નિયમ છે મુલાકાતીઓએ બાળકને કિસ ન કરવી

મેસી ક્રૉમ્પ્ટન

બ્રિટનની રહેવાસી ૨૦ વર્ષની મેસી ક્રૉમ્પ્ટન સગર્ભા છે અને પોતાના આવનારા બાળક માટે ઉત્સાહી હોવા ઉપરાંત ચિંતિત પણ છે. તેણે પોતાના બાળકના મુલાકાતીઓ માટે કડક નિયમ બનાવ્યા છે જે ટિકટૉક પર ખૂબ ચર્ચામાં છે. તેના અમુક નિયમો વિવાદાસ્પદ હોવા ઉપરાંત અનોખા, તો કેટલાક યોગ્ય પણ છે.

મેસીના નિયમોમાં પહેલો અને અગત્યનો નિયમ છે મુલાકાતીઓએ બાળકને કિસ ન કરવી. અગાઉથી જાણ કર્યા વિના બાળકને જોવા કે રમાડવા ન દોડી આવવું. બાળક વિશે સોશ્યલ મીડિયા કે વ્યક્તિગત રીતે અન્યોને માહિતી ન આપવી, આમ કરવાથી મુલાકાતીઓની સંખ્યા વધશે.

મેસી કે તેનો પાર્ટનર જ્યાં સુધી બાળકની તસવીર ન મૂકે ત્યાં સુધી મુલાકાતીઓએ પણ તસવીર સોશ્યલ મીડિયા પર મૂકવાનું ટાળવું. બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવા ઉપરાંત મુલાકાતીઓ બહારથી આવ્યા હોવાથી  બાળકને હાથમાં લેતાં પહેલાં મુલાકાતીઓએ હાથ સ્વચ્છ ધોવા જરૂરી છે. મેસીની સગર્ભાવસ્થા વખતે તેની મુલાકાતે ન આવ્યા હોય એવા લોકોને તેણે બાળકને મળવાથી દૂર રહેવા કહ્યું છે અને જો તમે સ્વસ્થ ન હો તો બાળકની મુલાકાત લેવાનું ટાળજો.

અંતે તેણે મુલાકાતીઓને વિનંતી કરી છે કે જો બાળક તમારા હાથમાં હોય ત્યારે રડે તો એ મને કે મારા પાર્ટનરને સોંપી દેજો. નેટિઝન્સે આ નિયમોને યોગ્ય અને બાળક માટે આવશ્યક ગણાવ્યા છે તો વળી કેટલાકે એને વધુ પડતા ગણાવ્યા છે. 

offbeat news international news