06 June, 2022 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉત્તરકાશીમાં રવિવારે સાંજે 28 લોકોથી ભરેલી બસ કોતરમાં પડી ગઈ હતી
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દમતા પાસે માર્ગ અકસ્માત બાદ હવે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં રવિવારે સાંજે 28 લોકોથી ભરેલી બસ કોતરમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 26 થયો છે. તે જ સમયે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસના બે ક્રૂ મેમ્બર્સ સિવાય, બસમાં સવાર અન્ય 28 લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતા, જેઓ યમુનોત્રીની યાત્રાએ જઈ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે લગભગ 7 વાગે ઋષિકેશથી યમુનોત્રી ધામ તરફ આવી રહેલી બસ દામતાથી 2 કિમી આગળ આવેલી કોતર પાસે પહોંચી ત્યારે અચાનક જ બેકાબૂ બનીને ઉંડી ખીણમાં ખાબકી હતી. લગભગ 500 મીટર નીચે પડ્યો. બસ ખાઈમાં પડતાં તે ફંગોળાઈ ગઈ હતી અને તેમાં સવાર મુસાફરો જયાં ત્યાં પડી ગયા હતા.
આ દુર્ઘટનાની સૂચના મળતાં જ પોલીસ, SDRF, NDRF,ડિઝાસ્ટર ક્યુઆરટી, રેવન્યુ અને ફાયર સર્વિસની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ બચાવ ટીમની મદદ કરી હતી.