તાલિબાને અમેરિકાને પરાસ્ત કર્યાનો ‘અફઘાન આઝાદી દિન’ ઊજવ્યો

07 August, 2023 02:08 PM IST  |  Kabul | Agency

જોકે ખાલીખમ સરકારી તિજોરી અને એટીએમ, તંત્ર ચલાવવા અમલદારો અને કર્મચારીઓની તંગી અને ખાદ્યપદાર્થોના આસમાને પહોંચેલા ભાવ જેવા અનેક પડકાર ઊભા છે

ગઈ કાલે અફઘાનિસ્તાનના કાબુલમાં નવા સફેદ ઝંડા સાથે ફરતા સશસ્ત્ર તાલિબાનો તો અંગ્રેજો સામે મેળવેલી આઝાદીના ૧૦૨મી વર્ષની ઉજવણી કરતી અફઘાનિસ્તાનની મહિલાઓ.

અફઘાનિસ્તાને ૧૯૧૯માં બ્રિટિશરોના સામ્રાજ્યમાંથી આઝાદી મેળવી ત્યાર પછી અેની પ્રજા દર વર્ષે ૧૯ ઑગસ્ટે ‘સ્વાતંત્ર્ય દિન’ ઊજવતું હતું, પરંતુ ઉગ્રવાદી સંસ્થા તાલિબાને અશરફ ઘનીની સરકારને ઉથલાવીને અને ખાસ કરીને પોતાના પર અંકુશ મેળવવામાં અમેરિકાના લશ્કરને નિષ્ફળતા જોવડાવ્યા બાદ તાલિબાને ગઈ કાલે ‘અમેરિકાને પરાસ્ત કર્યું હોવા બદલ ઇન્ડિપેન્ડન્સ ડે’ ઊજવ્યો હતો.
તાલિબાને અમેરિકાને હરાવ્યાનો ગર્વ વ્યક્ત કરવા સાથે ગઈ કાલે અફઘાનિસ્તાનના સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવ્યો તો ખરો, પરંતુ તેમની સામે આર્થિક તંગી અને સરકારી તંત્રમાં કર્મચારીઓ તથા અમલદારોની તંગી ઉપરાંત સશસ્ત્ર વિરોધ પ્રદર્શનોના પડકાર અને જોખમો તો ઊભાં જ છે. બૅન્કોના એટીએમ પણ ખાલીખમ પડ્યાં છે.
૩.૮૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં લોકોની અનાજ-કરિયાણાની જરૂરિયાતો સહિત અનેક આવશ્યક વસ્તુઓના પુરવઠા માટે  આયાત પર આધાર રાખવો પડે છે. તાજેતરના સંજોગોમાં આયાત મર્યાદિત હોવાથી ખાદ્યપદાર્થોના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે.
તાલિબાને આંતરરાષ્ટ્રીય સહાય વગર સશસ્ત્ર બળવાખોરી દ્વારા થોડા દિવસોમાં સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી હતી. એ આગલી સરકાર સામે જે વિકરાળ સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ તાલિબાનીઓના શાસન સામે પણ ઊભી છે. વર્ષ ૨૦૦૧માં અમેરિકી દળો અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેમની તરફેણમાં બનેલા નોર્ધર્ન અલાયન્સના નેજા હેઠળ હવે તાલિબાન વિરોધી મોરચો તૈયાર થઈ રહ્યો છે. છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં માનવ અધિકારો અને ખાસ કરીને મહિલાઓના સામાજિક ઉત્થાનની દિશામાં પ્રગતિને તાલિબાન ભૂંસી નાખે-નષ્ટ કરે એવો ભય ઘણાને સતાવે છે. જોકે તાલિબાન શરિયા કે ઇસ્લામિક કાયદાના અમલની વાતો કરે છે, પરંતુ ભાવિ શાસનના રોડ-મેપ કે ઍક્શન પ્લાનની જાહેરાત તેમણે નથી કરી.

તાલિબાન સામે વિરોધ-પ્રદર્શન યથાવત

અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે જનઆક્રોશ રસ્તા પર વિરોધ-પ્રદર્શન રૂપે જોવા મળે છે. બુધવારે જલાલાબાદમાં હજારો મહિલાઓ સહિત જનતાના વિરોધ-પ્રદર્શનનો સિલસિલો પૂર્વ અફઘાનિસ્તાનનાં અન્ય શહેરોમાં વિસ્તર્યો હતો. નંગરહર, કુણાર અને ખોશ્ત શહેરોમાં પણ જનતાએ રસ્તા પર ઊતરીને અફઘાન રાષ્ટ્રધ્વજ લહેરાવતાં તાલિબાની શાસન સામે અસંમતિ દર્શાવી હતી. કેટલાક નાગરિકોએ રાષ્ટ્રધ્વજ માટે જીવનું બલિદાન આપવાની તૈયારી બતાવી છે.

kabul pakistan afghanistan international news