01 June, 2022 09:25 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં ગઈ કાલે જન અધિકાર સત્યાગ્રહ સંસ્થાના દીપક બાબરિયા સહિતના આગેવાનો
અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામ સામે જન અધિકારી સત્યાગ્રહ સંસ્થા અને કૉન્ગ્રેસે વિરોધ નોંધાવ્યો છે અને આ સ્ટેડિયમનું ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ રાખવાની માગણી કરી છે. એટલું જ નહીં, પરંતુ ભૂતપૂર્વ સંસદસભ્ય દિનશા પટેલના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ મેમોરિયલમાં આ મુદ્દે મીટિંગ યોજાશે અને યુવાનોએ બારડોલીથી મોટેરા સુધી વિરોધ યાત્રાનું આયોજન કર્યું છે.
જન અધિકાર સત્યાગ્રહના કન્વીનર અને કૉન્ગ્રેસના આગેવાન દીપક બાબરિયાએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અમદાવાદમાં પહેલાં મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું. આ સરકાર આવ્યા પછી સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું. આની સામે કરમસદના યુવાનોએ સરદાર પટેલ સન્માન સ્મારક સમિતિથી કાર્યક્રમ નક્કી કર્યો છે અને ૬ જૂને દિનશા પટેલના અધ્યક્ષસ્થાને સરદાર પટેલ મેમોરિયલમાં એક મીટિંગ રાખવામાં આવી છે. ગુજરાતનાં અનેક સંગઠનો અને નાગરિકોએ એને ટેકો જાહેર કર્યો છે. ૧૨ જૂને યુવાનોએ બારડોલીથી મોટેરા સુધી વિરોધ યાત્રાનું આયોજન કર્યું છે.’