05 June, 2022 08:53 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ગઈ કાલે ૧૨મા ધોરણનું સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા રિઝલ્ટ જાહેર થયું હતું. આ રિઝલ્ટ પરથી જણાયું છે કે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં કાચા રહ્યા નથી, પણ પાકા થઈ ગયા છે અને અંગ્રેજી વિષયમાં પણ પ્રભુત્વ ધરાવી રહ્યા છે, કેમ કે જે રિઝલ્ટ જાહેર થયું એમાં ગુજરાતી વિષય (ફર્સ્ટ લૅન્ગ્વેજ)નું ૯૯.૧૮ ટકા અને અંગ્રેજી વિષય (ફર્સ્ટ લૅન્ગ્વેજ)નું ૯૮.૭૮ ટકા રિઝલ્ટ જાહેર થયું છે. એટલું જ નહીં, પરંતુ છેવાડાના ડાંગ જિલ્લાએ આ વખતે રિઝલ્ટમાં બાજી મારી છે અને ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૪૧ ટકા રિઝલ્ટ મેળવ્યું છે અને ડાંગ જિલ્લાની કુલ ૨૬ સ્કૂલમાંથી ૧૪નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
૧૨મા ધોરણના સામાન્ય પ્રવાહમાં સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ડભોઈ કેન્દ્રનું સૌથી ઓછું ૫૬.૪૩ ટકા પરિણામ જાહેર થયું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ ૯૫.૪૧ ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું ૭૬.૪૯ ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં ૧૦૬૪ સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે તો આખા ગુજરાતમાં એક જ સ્કૂલનું ૧૦ ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થિનીઓ આગળ રહી
ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૨મા ધોરણના સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું ૮૪.૬૭ ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું ૮૯.૨૩ ટકા પરિણામ આવ્યું છે એટલે કે વિદ્યાર્થીઓ કરતાં પાંચ ટકા વિદ્યાર્થિનીઓ વધુ પાસ થઈ છે.
૧૨મા ધોરણના સામાન્ય પ્રવાહમાં ૨૦૯૨ સ્ટુડન્ટ્સ એ-વન ગ્રેડમાં અને ૨૫,૨૧૫ સ્ટુડન્ટ્સ એ-ટૂ ગ્રેડમાં પાસ થયા છે. સૌથી વધુ બી-ટૂ ગ્રેડમાં ૮૪,૬૨૯ સ્ટુડન્ટ્સ પાસ થયા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રની બૉર્ડર પર આવેલા ડાંગ જિલ્લામાં ખુશીનો માહોલ છે, કેમ કે ગુજરાતમાં સૌથી વધુ ૯૫.૪૧ ટકા લઈ ડાંગ જિલ્લો અવ્વલ રહ્યો છે. ડાંગ જિલ્લામાં ૧૨મા ધોરણના સામાન્ય પ્રવાહની એક્ઝામમાં કુલ ૧૩૭૨ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી, જેમાંથી ૧૩૦૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જોકે ડાંગ જિલ્લામાં એક પણ વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્યો નથી, જ્યારે એ-ટૂ ગ્રેડમાં ૩૮ વિદ્યાર્થીઓ, બી-વન ગ્રેડમાં ૩૨૩, બી-ટૂ ગ્રેડમાં ૫૦૪, સી-વન ગ્રેડમાં ૩૩૭ અને સી-ટૂ ગ્રેડમાં ૧૦૨ વિદ્યાર્થીઓ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાની કુલ ૨૬ સ્કૂલમાંથી ૧૪નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ડાંગના વિદ્યાર્થીઓનાં ઉચ્ચતમ પરિણામના પગલે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગ તેમ જ જિલ્લા શિક્ષણ અધિકારી એમ. સી. ભુસારા સહિત સ્કૂલોના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.