બનાસકાંઠાના ખેડૂતો પાણી મુદ્દે પરેશાન, દિવા પ્રગટાવી કર્યો વિરોધ

03 June, 2022 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા કઈ નવી નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા કઈ નવી નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પાણીની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો એટલા રોષે ભરાયા છે કે આંદોલન પર ઉતરી આવ્યાં હતા. આંદોલન બાદ હવે ખેડૂતો ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવવાનું નક્કી કર્યુ હતુ. 

જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ તેમજ જળ આંદોલન સમિતિએ 125 ગામના ખેડૂતોને દીવા પ્રગટાવવા અપીલ કરી હતી. ખેડૂતોએ દીવા પ્રગટાવી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ગત રાત્રે 20 હજારથી વધુ ખેડૂતોની મહા રેલી બાદ મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવાદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે દીવા પ્રગટાવ્યા હતા. ગુરુ મહારાજના નામથી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતોને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. 

આ આંદોલનમાં જાતીવાદને નેવે મુકી મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતોએ સમર્થન આપ્યું હતું. ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા પણ અપીલ કરાઈ. આ સાથે જ ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો પાણીની માંગ પૂરી નહી થાય તો આગામી સમયમાં 40 હજારથી વધુ મહિલાઓની મહારેલીનું આયોજન કરવામાં આવશે. 

gujarat news ahmedabad