કેકે વધુ સફળ થઈ શક્યો હોત, પરંતુ તેણે ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટી પર ધ્યાન આપ્યું : સંજય લીલા ભણસાલી

28 March, 2023 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ગુઝારિશ’નો હીરો પૅરાપ્લેજિક હોવાથી એની ફીલ માટે કેકેએ પણ બેસીને ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલીએ સિંગર કેકેના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે વધુ સફળ થઈ શક્યો હોત, પરંતુ તેણે ક્વૉન્ટિટી પર નહીં; ક્વૉલિટી પર ધ્યાન આપ્યું હતું. સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’ના ‘તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી’ ગીત કેકેએ ગાયું હતું. આ ગીતને ઇસ્માઇલ દરબારે કમ્પોઝ કર્યું હતું. કેકેના અવસાનના સમાચાર સાંભળતાં જ સંજય લીલા ભણસાલી ચોંકી ગયા હતા. એ વિશે સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘કેકે આવી રીતે કેમ પડી શકે છે અને તેનું અવસાન થઈ શકે છે? શું તમને પૂરો ભરોસો છે? અદ્ભુત ટૅલન્ટ, પ્રતિભાશાળી સિંગર. તેનો અવાજ અદ્ભુત હતો. મને આજે પણ યાદ છે કે કમ્પોઝર ઇસ્માઇલ દરબાર મારી પાસે કેકેના અવાજવાળું ‘તડપ તડપ કે’ ગીત લઈને આવ્યા હતા. એ માત્ર સામાન્ય સૅમ્પલ રેકૉર્ડિંગ હતું. જોકે મેં જ્યારે પહેલી વખત એ ગીત સાંભળ્યું તો મારી પહેલી પ્રતિક્રિયા હતી, ‘ઑહ માય ગૉડ. શું અવાજ છે! તે કોણ છે? તને ક્યાંથી મળ્યો? ઇસ્માઇલે કહ્યું કે તે ‘વૉઇસ ઑફ અ સિંગર’નો કેકે છે અને તેણે તેને વિશાલ ભારદ્વાજ માટે ‘છોડ આએ હમ વો ગલિયાં’ ગીત ગાતા સાંભળ્યો હતો. મેં ઇસ્માઇલને કહ્યું કે મને આ ‘તડપ તડપ કે’ ગીત ખૂબ ગમ્યું છે, પરંતુ અવાજ આ જ રહેવો જોઈએ. કોઈ અન્ય સિંગર ‘તડપ તડપ કે’ ગાય એની હું કલ્પના પણ ન કરી શકું. કેકે એક પરિપૂર્ણ સિંગર હતો. તેની રેન્જ અને વૉઇસ-થ્રો અતુલનીય છે. તે કદાચ હજી પણ વધુ સફળ થઈ શક્યો હોત, પરંતુ તેણે ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટી પર ધ્યાન આપ્યું હતું. તે જે પણ ગાતો હતો એના માટે તે ખૂબ ચોક્કસ રહેતો હતો.’

સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’માં પણ તેને ગાવાનો ચાન્સ મળ્યો હતો. સાથે જ હૃતિક રોશનની ‘ગુઝારિશ’ માટે પણ તેણે ગીત ગાયું હતું. આ બન્ને ફિલ્મો વિશે સંજય લીલા ભણસાલીએ કહ્યું કે ‘તેણે ‘દેવદાસ’માં માત્ર આલાપ ગાયા હતા. જોકે હું જ્યારે મારી ફિલ્મ ‘ગુઝારિશ’માં પૂરી રીતે મ્યુઝિક કમ્પોઝર બન્યો તો મારી ઇચ્છા હતી કે તે એમાં ગીતો ગાય. મને લાગે છે કે કેકેએ મારા કૉમ્પોઝિશનનાં ત્રણ ગીતો ‘દાયેં બાયેં’, ‘જાને કિસકે ખ્વાબ’ અને ટાઇટલ સૉન્ગ ‘ગુઝારિશ’ ગાયું હતું. આ બધામાં હું ‘જાને કિસકે ખ્વાબ’ને વધુ એન્જૉય કરું છું. આ મારું સ્પેશ્યલ કૉમ્પોઝ‌િશન છે અને કેકેએ એને ગાઈને વધુ સ્પેશ્યલ બનાવ્યું હતું. ‘ગુઝારિશ’ માટે કેકેએ ચૅર પર બેસીને ગીત ગાવાની વિનંતી કરી હતી. સામાન્ય રીતે સિંગર્સ ઊભા રહીને ગીતો રેકૉર્ડ કરે છે, પરંતુ કેકેએ બેસીને ગીત ગાવાનો આગ્રહ રાખ્યો હતો. એનું કારણ પ‌ણ સરળ હતું. ‘ફિલ્મનો હીરો પૅરાપ્લેજિકથી પીડિત હોય છે. તે બેસીને ગીત ગાવાનો છે. એથી હું પણ બેસીને જ ગીત ગાઈશ.’ તેનું આવા પ્રકારનું સમર્પણ હતું. તેણે દુનિયા છોડીને જલદી નહોતું જવું જોઈતું.’

entertainment news bollywood bollywood news sanjay leela bhansali krishnakumar kunnath