દ્વેષપૂર્ણ કાર્યવાહી કે ખરેખર ગેરરીતિ?

28 March, 2023 11:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નૅશનલ હેરાલ્ડ મની લૉન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીને ઈડીના સમન્સ  બજાવવામાં આવ્યા

ફાઇલ તસવીર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ નૅશનલ હેરાલ્ડ ન્યુઝપેપરને સંબંધિત મની લૉન્ડરિંગના એક કેસમાં પૂછપરછ માટે ગઈ કાલે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને સંસદસભ્ય રાહુલ ગાંધીને સમન્સ બજાવ્યા હતા. સોનિયા ગાંધીને આઠમી જૂને ઈડી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે રાહુલ ગાંધીને આજે હાજર થવા જણાવાયું હતું. કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ એક પત્રકાર-પરિષદમાં કહ્યું હતું કે સોનિયા ગાંધી સમન્સનું પાલન કરશે, જ્યારે રાહુલ ગાંધી દેશમાં ન હોવાથી તેમણે પાંચમી જૂન પછીની તારીખની માગણી કરી હતી. કૉન્ગ્રેસે આ કાર્યવાહીને દ્વેષપૂર્ણ ગણાવી છે.

શું છે મામલો?
આ મામલો અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની સાથે જોડાયેલો છે. જે વાસ્તવમાં ન્યુઝપેપર ‘નૅશનલ હેરાલ્ડ’ના પબ્લિશર હતા, જેને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. એમાં નેહરુ સિવાય ૫૦૦૦ ફ્રીડમ ફાઇટર્સનો પણ હિસ્સો હતો. ૯૦ કરોડ રૂપિયાના દેવા સાથે ‘ધ નૅશનલ હેરાલ્ડ’ને ૨૦૦૮માં બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પછી યંગ ઇન્ડિયનને નવેમ્બર ૨૦૧૦માં કૉન્ગ્રેસ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો મૅજોરિટી ૭૬ ટકા હિસ્સો છે. બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ૨૦૧૨માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ મૂક્યો હતો કે કેટલાક કૉન્ગ્રેસી નેતાઓએ ખોટી રીતે યંગ ઇ​ન્ડિયન લિમિટેડ (વાયઆઇએલ) મારફત અસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડને ટેકઓવર કર્યું છે. તેમણે આરોપ મૂક્યો હતો કે આ બધું દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસના ૨૦૦૦ કરોડ રૂપિયાના બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરવામાં આવ્યું હતું. આ કાવતરામાં યંગ ઇન્ડિયન લિમિટેડને અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની પ્રૉપર્ટીનો અધિકાર આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં કૉન્ગ્રેસે નૅશનલ હેરાલ્ડના પબ્લિશર અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ૯૦ કરોડ રૂપિયાની વ્યાજ-ફ્રી લોન આપી હતી. જોકે એ લોન ચૂકવી શકાઈ નહોતી એટલે અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના ૧૦-૧૦ રૂપિયાના ૯ કરોડ શૅર યંગ ઇન્ડિયનને આપવામાં આવ્યા હતા. એના બદલામાં યંગ ઇન્ડિયને કૉન્ગ્રેસને લોન ચૂકવવાની હતી. ૯ કરોડ શૅર સાથે યંગ ઇન્ડિયનને આ કંપનીના ૯૯ ટકા શૅર મળી ગયા. જેના પછી કૉન્ગ્રેસ પાર્ટીએ ૯૦ કરોડની લોન પણ માફ કરી દીધી હતી. એટલે યંગ ઇન્ડિયનને મફતમાં અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ મળી ગઈ હતી, જેમાં રાહુલ અને સોનિયા ગાંધીનો મૅજોરિટી હિસ્સો છે. 

national news sonia gandhi rahul gandhi congress