29 April, 2022 10:53 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
આજે મારા ૨૪ વર્ષનાં દીકરાના બદલાયેલા વર્તને મને વિચારતી કરી દીધી છે. તે બારમા ધોરણમાં ભણતો હતો ત્યારથી પ્રેમમાં હતો. એ જ છોકરી સાથે હવે તેનાં લગ્ન થવાનાં છે. ઇન ફૅક્ટ, છોકરીના પરિવારવાળા તો લગ્ન માટે જરાય રાજી નહોતા, પણ આ ભાઈએ જિદ કરેલી કે લગ્ન કરીશ તો આ જ છોકરી સાથે. હવે વાત થાળે પડી છે. બે મહિના પહેલાં સગાઈ થઈ ત્યારથી તેના સાસરાના આંટા વધી ગયા છે. દીકરો પોતે કમાય છે એટલે આપણે કંઈ બોલીએ નહીં, પણ તેને માટે પોતાની ફિયાન્સે, સાળી અને સાસુ-સસરાનું ઘેલું લાગી ગયું છે. તે ન જોઈતા ખર્ચા કરશે. છોકરીની મમ્મી માંદી પડેલી તો એ વખતે પણ તેણે દોડાદોડ કરી મૂકી. મને મદદની જરૂર હતી તો એ તેણે પોતાની ઑફિસના માણસ પાસે કામ કરાવી લીધું. હજી તો લગ્ન પણ નથી થયાં ત્યાં તે વહુઘેલો થવા લાગ્યો? લગ્ન પછી તો શું થશે?
તમને થતું હશે કે હજી તો સગાઈને માંડ બે મહિના થયા છે અને દીકરો સાસરીના લોકોને વધુપડતાં માનપાન દેવા લાગે એ તો કેમ ચાલે? જોકે હકીકત એ છે કે તે આવું કરે છે એનું કારણ છે તેની સગાઈને હજી માત્ર બે મહિના જ થયા છે. વખત જતાં તે પોતાની મેળે પોતાની લાગણીને કાબૂમાં રાખતાં અને સમજતાં શીખી જશે. ઘણા વખતથી તે જે પ્રેમ પામવા ઇચ્છતો હતો તે માંડમાંડ સાકાર થઈ રહ્યો છે ત્યારે આવું થવું સહજ છે. તમે પોતે પણ અનુભવ્યું હશે કે જ્યારે લગ્ન થવાનાં હોય ત્યારે તમારા જીવનમાં આવનારી નવી વ્યક્તિ માટે જરાક વિશેષ લાગણી અનુભવાય છે. નવા સંબંધના ઍક્સાઇટમેન્ટમાં આવું થવું ખૂબ જ નૅચરલ છે. તમારો દીકરો પણ આ વિશે ચાર-છ મહિનામાં સંતુલન જાળવતાં શીખી જશે.
જેમ ઘરમાં બીજું બાળક આવે ત્યારે પહેલા બાળકને જે અસલામતી અનુભવાય એમ કદાચ તમારો દીકરો તેનાં સાસરિયાંની કાળજી લે છે એમાં આર્થિક કારણો ઉપરાંત અંગત ઇમોશનલ તકલીફ તો નથી થતીને? થતી હોય તો એમાં પણ શરમાવાની જરૂર નથી. જસ્ટ બી અવેર. સભાન થઈને જોવાથી અડધી સમસ્યાઓ હલ થઈ જતી હોય છે. તમારી અસલામતીની લાગણી હોય કે દીકરાની ઘેલછા, બન્ને ટેમ્પરરી છે; જો તમે તેને યોગ્ય દૃષ્ટિકોણથી સમજશો તો.