ઍસિડિટી અને ડીહાઇડ્રેશનથી બચાવશે આ વાળાનું પાણી

30 May, 2022 02:08 PM IST  |  Mumbai | Sejal Patel

જો ઘરેથી ભરી રાખેલી પાણીની બૉટલમાં ખસના વાળા નાખશો તો સુગંધીદાર પાણીથી તરસ તો છીપશે જ, સાથે ઍસિડિટી નહીં થાય અને ત્વચામાં નિખાર પણ આવશે

ઍસિડિટી અને ડીહાઇડ્રેશનથી બચાવશે આ વાળાનું પાણી

શું આ સીઝનમાં સતત ઍસિડિટીના ઓડકાર આવે છે? 
તરસ ખૂબ લાગે છે, પણ જો ઠંડું પાણી પીઓ તો બહુ પસીનો થઈ જાય છે?
કબજિયાત જેવું લાગે છે અને પૉટી પણ બહુ ચીકણી આવે છે?
પસીનો થવાતી રાત સુધીમાં તો કપડામાંથી વાસ આવવા લાગે છે?
ગરમી અને તાપમાં ફરવાને કારણે ચહેરા પર ફોડલીઓ થઈ આવે છે? 
આ બધી સમસ્યાનું એક સૉલ્યુશન છે પાણી પીવાનું. જોકે સાવ સાદું પાણી નહીં, થોડુંક ફ્લેવર્ડ પાણી પીવાનું. આયુર્વેદમાં એ માટે ઉશીર જળનો કન્સેપ્ટ છે. ઉશીર એટલે કે ખસ. ખસના વાળા જેને અંગ્રેજીમાં વેટિવર પણ કહેવાય છે. આ ખસનાં મૂળિયાં જેવું હોય છે જે સુગંધી અને ઠંડક આપવા માટે જાણીતું છે. ઉનાળામાં ખસનું શરબત, ખસનું એસેન્સ અને ખસનું પર્ફ્યુમ પણ બહુ ડિમાન્ડમાં રહેતું હોય છે. જોકે શરબત કે એસેન્સને બદલે એનો નૅચરલ ફૉર્મમાં ઉપયોગ બહેતર છે એમ જણાવતાં જાણીતા આયુર્વેદનિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘કોઈ પણ આયુર્વેદિક ઔષધિને ઓછામાં ઓછી પ્રોસેસ કરીને વાપરવામાં આવે તો એ ઉત્તમ અસરકારક રહે છે. ખસના વાળાનું પણ એવું જ છે. જ્યારે બહારનું વાતાવરણ બહુ ગરમ હોય ત્યારે શરીરને ઠંડું રાખવા માટે થઈને ત્વચામાંથી પસીનો ખૂબ નીકળે છે. આ ટેમ્પરેચર ડિફરન્સમાં વાળો મદદરૂપ થાય છે. ખસના વાળા પિત્તનું સીક્રિશન કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે એટલું જ નહીં, એ તરસ છિપાવે છે. જો એક વીક સુધી સતત આ પાણી જ વાપરવામાં આવે તો ચોક્કસપણે પિત્તના ઓડકારમાં તેમ જ ચીકાશવાળી પૉટી અને કબજિયાતમાં ફરક પડશે. ડીહાઇડ્રેશનને કારણે તરસ લાગ્યા કરતી હોય તો એમાં પણ રાહત થશે.’
કેવી રીતે વાપરવા?
પરંપરાગત રીતે પહેલાં માટલાની અંદર ખસના વાળાની પોટલી મૂકવામાં આવતી હતી, પણ હવે તો મોટા ભાગે પુરુષો સવારથી સાંજ બહાર જ ફરતા હોય છે. ઘરના માટલામાં મૂકેલી પોટલી સવારે કે સાંજે એક-બે ગ્લાસ પાણી પૂરતી જ કામ આવે છે. એના તોડરૂપે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ગરમીની સીઝનમાં દરેક વ્યક્તિ ઘરનું માટલાનું પાણી સાથે લઈને ફરે એ જરૂરી છે. પ્લાસ્ટિકની બૉટલમાં પૅક્ડ મિનરલ વૉટર પણ ગરમીને કારણે કેમિકલથી દૂષિત થયેલું રહેવાનું જ. એને બદલે જો શક્ય હોય તો સ્ટીલની અથવા તો કાચની બૉટલ સાથે રાખવી અને એમાં બેથી ત્રણ દોરા વાળાના મૂકી દેવા. એકાદ કલાકમાં જ એ પાણીમાં વાળાના ગુણ અને સુગંધ આવી જાય છે. પાણી ખલાસ થઈ જાય તો રિફીલ કરીને ફરીથી એ જ બૉટલનો વાળો વાપરી શકાય.’

 બેથી ત્રણ વાર વપરાયેલા ખસના વાળાને નાહવાના પાણીમાં આખી રાત બોળી રાખવા. એ વાળાથી ત્વચા પર ઘસીને સુગંધિત પાણીથી નહાશો તો કુદરતી રીતે જ પરસેવામાંથી આવતી ગંધ ઘટશે. - ડૉ. રવિ કોઠારી, આયુર્વેદાચાર્ય 

health tips columnists sejal patel