સ્વિમિંગ પછી આંખ ખૂબ લાલ થઈ જાય છે

03 June, 2022 11:44 AM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

કાલે તો આંખ ફૂલેલી પણ લાગેલી. મને એ વિચાર આવે છે કે આ પાણી બાળકની આંખ માટે હાનિકારક તો નથી? તેને હાલમાં જે તકલીફો થાય છે એ શું સ્વિમિંગના પાણીને લીધે છે? 

તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારો દીકરો ૮ વર્ષનો છે અને તેને ચશ્માંના નંબર પણ છે. તેને સ્વિમિંગ કરવું ખૂબ જ ગમે છે, પરંતુ ત્યાંથી આવે એટલે તેની આંખ આખી લાલ જ રહે છે. આજકાલ તે આંખમાં કશુંક ખટકવાની ફરિયાદ કર્યા કરતો હોય છે. કાલે તો આંખ ફૂલેલી પણ લાગેલી. મને એ વિચાર આવે છે કે આ પાણી બાળકની આંખ માટે હાનિકારક તો નથી? તેને હાલમાં જે તકલીફો થાય છે એ શું સ્વિમિંગના પાણીને લીધે છે? 
   
ગરમીમાં પાણીની અંદર રહેવું કોને ન ગમે? પરંતુ ઉનાળામાં વધુ લોકો સ્વિમિંગ કરતા હોય અને એ પાણી એલર્જી ન કરે એ માટે ઘણી વાર સ્વિમિંગ-પૂલના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ઘણું વધારે રાખવામાં આવે છે. વધુ પડતા ક્લોરીનને કારણે આંખમાં ઇરિટેશન થાય કે આંખ લાલ થઈ જાય એવું બને ખરું. આથી જ્યારે પણ સ્વિમિંગ-પૂલમાં જાવ ત્યારે સ્વિમિંગનાં ચશ્માં પહેરવા. તમારા બાળકને ઑલરેડી ચશ્માં છે, પરંતુ એ ચશ્માં પહેરીને તો સ્વિમિંગ કરવા જશે નહીં એટલે એવું ન વિચારો કે તેને સ્વિમિંગનાં ચશ્માં નહીં પહેરાવીએ તો ચાલશે. સ્વિમિંગ-પૂલના પાણીથી આંખને બચાવવાનો એકમાત્ર ઉપાય એ છે કે તમે ચશ્માં વગર સ્વિમિંગ ન કરો. સ્વિમિંગ પત્યા પછી સાદા પાણીએ આંખ ધોઈ નાખવી. આ એક બેઝિક કૅર છે જે તમારે કરવી જ જોઈએ, જો તમે સ્વિમિંગ જતા હો તો. બાકી એ પાણીથી બીજું કોઈ નુકસાન થાય નહીં. 
વળી, તમે જે કહો છો કે આંખ ખટકે છે એ કદાચ ડ્રાયનેસ હોઈ શકે છે. ઉનાળામાં આંખો ઘણી સૂકી થઈ જાય છે, જેને લીધે આંખમાંથી પાણી ગળવું, આંખમાં કશુંક ખૂંચે છે એવું લાગવું કે આંખ વારે-વારે બંધ કરવાની જરૂર પડવી, આંખ દુખવી વગેરે પરિસ્થિતિ સર્જાય છે. આ કન્ડિશનમાં બાળકને થોડા-થોડા સમયે લાગે કે હવે તો આંખ બંધ કરીને બેસીએ થોડીક વાર. ઊંઘ ન આવતી હોય, પણ આંખ થાકી ગઈ છે એવું લાગે. ઉનાળામાં હાઇડ્રેટ ન થવાય એ માટે આપણે વધુ પાણી પીએ છીએ. આંખ માટે પણ એ એટલું જ લાગુ પડે છે. ઉનાળામાં વ્યવસ્થિત પાણી પીવાથી આંખ પર સોજા આવવા, આંખ ફૂલેલી લાગવી વગેરે પ્રૉબ્લેમ્સ દૂર થાય છે. વારંવાર આંખો પર પાણી છાંટવાથી આંખ પરનો સ્ટ્રેસ દૂર થાય છે અને આંખો સૂકી થતી નથી. 

health tips columnists