દાઢી-મૂછ પાસે વાળ ઊગવાનું બંધ નથી થતું

31 May, 2022 11:21 AM IST  |  Mumbai | Dr. Batul Patel

મારું માસિક એકદમ અનિયમિત હતું. મારો ઇલાજ ચાલ્યો. મેં વજન પણ ઘણું ઘટાડ્યું અને હવે માસિક નિયમિત છે, પરંતુ પીસીઓએસનું નિદાન થયું ત્યારે મને દાઢી અને મૂછની જગ્યાએ વાળ આવવાનું શરૂ થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૦ વર્ષ છે અને મને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે. મારું વજન જરૂર કરતાં ૨૦ કિલો વધુ હોવાથી આ તકલીફ આવી છે એવું મારા ડૉક્ટરનું કહેવું હતું. મારું માસિક એકદમ અનિયમિત હતું. મારો ઇલાજ ચાલ્યો. મેં વજન પણ ઘણું ઘટાડ્યું અને હવે માસિક નિયમિત છે, પરંતુ પીસીઓએસનું નિદાન થયું ત્યારે મને દાઢી અને મૂછની જગ્યાએ વાળ આવવાનું શરૂ થયું હતું. એને હું દૂર કરી શકું એવા મોટિવેશનને કારણે મેં વજન ઉતાર્યું. હવે બધું કન્ટ્રોલમાં છે, પણ વાળ આવવાના બંધ થયા નથી. હું શું કરું? 
 
હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે સ્ત્રીને પુરુષોની જેમ દાઢી પર, હોઠની ઉપર, છાતી પર અને પેટ પર ખૂબ વધુ પ્રમાણમાં વાળ ઊગી નીકળે છે, જેને હર્સ્યુટિઝમ કહે છે જે ખુદ એક રોગ નહીં, છૂપા રોગનું મહત્ત્વનું લક્ષણ છે. સારું છે કે તમારા પીસીઓએસનું નિદાન સમયસર થઈ ગયું અને એનો ઇલાજ પણ, કારણ કે ઘણી વખત આ લક્ષણ પાછળનો રોગ શોધવાનું કામ સમયસર થતું નથી અને તકલીફ વધતી જાય છે. ઍન્ડ્રૉજન્સને લોકો મોટા ભાગે પુરુષોના હૉર્મોન તરીકે ઓળખે છે. હકીકતમાં આ હૉર્મોન પુરુષ અને સ્ત્રી બન્નેમાં હોય છે. ઍન્ડ્રોજન્સના આમ તો ઘણા પ્રકાર છે, પરંતુ મહત્ત્વનો પ્રકાર છે ટેસ્ટોસ્ટેરોન. ઍન્ડ્રૉજન્સનું પ્રમાણ જ્યારે સ્ત્રીમાં જરૂર કરતાં વધી જાય છે ત્યારે આ પ્રૉબ્લેમ આવી શકે છે. 
પીસીઓએસની ટ્રીટમેન્ટ લીધા પછી પણ એવું બિલકુલ જરૂરી નથી કે મોઢા અને શરીરનાં બાકીનાં અંગો પર જે વાળ છે એ જતા રહે, કારણ કે એક વાર જે હેર ગ્રોથ થવાનો શરૂ થયો એ વાળ રોગના ઇલાજ બાદ પાંખા જરૂર થાય છે, પરંતુ સંપૂર્ણ રીતે જતા રહેતા નથી. આથી જ્યારે પીસીઓએસનો ઇલાજ પૂર્ણ થાય પછી ઇલેક્ટ્રોલાઇસિસ કે લેસર ટ્રીટમેન્ટની મદદથી વાળ દૂર કરવા જરૂરી બને છે. ઇલેક્ટ્રોલાઇસિસ જૂની પદ્ધતિ છે, જેમાં વાળના મૂળને બાળી નાખવામાં આવે છે, જેમાં વાળ ફરીથી ઊગવાનું રિસ્ક રહે છે, જ્યારે લેઝર પદ્ધતિ નવી છે અને એમાં વાળ ફરીથી ઊગવાનું રિસ્ક ફૅક્ટર ઓછું છે. આ સિવાય બીજી બધી પદ્ધતિ એટલે કે શેવિંગ કે થ્રેડિંગથી વાળ દૂર કરો તો પણ એ ફરી પાછા આવવાના જ છે એટલે જો કાયમી એનો ઉપાય જોઈતો હોય તો લેસર સારો ઑપ્શન છે જેકોઈ ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર પાસે જઈને જ તમારે કરાવવી જરૂરી છે.

health tips columnists