રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

31 May, 2022 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

વધેલી રોટલીનો હેલ્ધી નાસ્તો

ઇટાલિયન સેવપૂરી

જયશ્રી પ્રેમજી દેઢિયા, ગોરેગામ-ઈસ્ટ

પૂરી બનાવવા માટેની સામગ્રી : વધેલી રોટલી, તળવા માટે તેલ
ટૉપિંગ માટેની સામગ્રી : ૧ લાલ, પીળું અને લીલું કૅપ્સિકમ સમારેલું, અડધો કપ મકાઈના દાણા, ૧ ટેબલસ્પૂન ઑલિવ ઑઇલ, લાલ મરચું, મીઠું, અજમો અને મરી પાઉડર સ્વાદ પ્રમાણે. 
ગાર્નિશિંગ માટે : ટમૅટો સૉસ, સેવ, કોથમીર, ચીઝ
રીત : સૌપ્રથમ મકાઈના દાણા મીઠું નાખીને બાફી લેવા. નૉન-સ્ટિક પૅનમાં ઑલિવ ઑઇલ ગરમ કરી એમાં બાફેલા મકાઈના દાણા અને સમારેલાં શિમલા મરચાં નાખવા. શાક ચડે એટલે એમાં અજમો, મીઠું, મરી પાઉડર અને લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી ટૉપિંગ બનાવી લેવું. હવે વધેલી રોટલીને કોઈ ડબ્બીના ઢાંકણ અથવા બિસ્કિટ-કટરની મદદથી ગોળ પૂરી જેવી કાપી લેવી. પછી એમાં છરીથી કાપા પાડી તેલમાં એ પૂરીઓ તળી લેવી. હવે પ્લેટમાં આ તળેલી પૂરીઓ મૂકી એના પર શાકભાજીના મિશ્રણનું ટૉપિંગ કરો. એના પર સૉસ, સેવ, કોથમીર અને ચીઝ ખમણીને સર્વ કરો.

શીરો

સામગ્રી : ૬ વધેલી રોટલી, ૨ કપ પાણી, અડધો કપ ગોળ, ઘી, બદામ, પિસ્તા, કાજુ, ઇલાયચી પાઉડર
રીત : વધેલી રોટલીને મિક્સરમાં પીસીને કરકરો ભૂકો બનાવી લેવો. એક કડાઈમાં ૨ ચમચા ઘી નાખી ધીમા તાપે રોટલાના ભૂકાને ગોલ્ડન બ્રાઉન કલરનો શેકીને બાજુ પર કાઢી લેવો. હવે કડાઈમાં પાણી અને ગોળ ગરમ કરવાં. ગોળવાળું પાણી ઊકળવા લાગે એટલે ઇલાયચી પાઉડર નાખી ધીમે-ધીમે રોટલીનો ભૂકો નાખવો. સતત હલાવતા રહેવું. ઘી છૂટું પડવા લાગે એટલે એક વઘારિયામાં ઘી ગરમ કરી એમાં કાજુ-બદામ-પિસ્તા સાંતળી લેવાં અને શીરા પર એનો તડકો લગાવવો. 
ડેકોરેશન અને વેરિએશન : એક બાઉલમાં પહેલાં શીરો પાથરવો. એના પર ઓરિયો બિસ્કિટનો ભૂકો પાથરી ઉપર ફરી શીરો પાથરવો. ઉપર ચૉકલેટ અને ડ્રાયફ્રૂટ્સથી ડેકોરેટ કરવું. 

 

દેશી ફીણી પેસ્ટ્રી

જિનાંશ નરેશ ધરોડ, નેહરુનગર

સામગ્રી : ઘઉંનો લોટ, પીઠી સાકર, ઘી, પાણી, એલચી, ડ્રાયફ્રૂટ્સની કાતરી, ઓરિયો બિસ્કિટ, વ્હિપ્ડ ક્રીમ
રીત : અડધો કપ ઘઉંના લોટને બારીક મેંદાની ચાળણીથી ચાળી લેવો. હવે એમાં ૫૦ ગ્રામ ઘી અને અડધો કપ ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ૧૫ મિનિટ દાબીને રાખી દો, જેથી લોટમાં કણી પડશે. હવે એને ચોખાની ચાળણીથી ચાળી લો. ત્યાર બાદ એક કડાઈમાં બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લો. શેકાયા પછી વાટકીના માપથી માપી લેવું. આ તૈયાર થયેલું મિશ્રણ જેટલું હોય એનાથી અડધું ઘી અને અડધી સાકર લેવી. એક વાસણમાં ઘીને ફ્રિજમાં મૂકીને કઠણ કરી લેવું અને ત્યાર પછી બીટર વડે બેથી ત્રણ મિનિટ ફીણવું એટલે એ ફૂલીને ડબલ થશે. પછી એમાં સાકરનો ભૂકો નાખી ફરી બેથી ત્રણ મિનિટ સુધી ફીણો. એ ફૂલીને ડબલ અને સફેદ રંગનું થાય એટલે એમાં શેકેલો લોટ અને એલચીનો ભૂકો નાખી મિક્સ કરો. હવે પેસ્ટ્રીના મોલ્ડમાં ભરી ઓરિયો બિસ્કિટનો ભૂકો પાથરો. એના પર વ્હિપ્ડ ક્રીમ પાથરી ડ્રાયફ્રૂટની કાતરીથી ગાર્નિશ કરવું. દેશી ફીણી પેસ્ટ્રી તૈયાર છે. 

 

વેજ પનીર પાર્સલ

રક્ષા રમેશ ઠક્કર, મુલુંડ-વેસ્ટ

કણક માટે સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ, ૨-૩ ચમચી પાલકની પેસ્ટ, ૧થી ૨ ટીસ્પૂન બીટરૂટ પેસ્ટ, પા ટીસ્પૂન અજમો, ૨ ટીસ્પૂન તેલ, સ્વાદ પ્રમાણે મીઠું
સ્ટફિંગ માટેની સામગ્રી : ૧૦૦ ગ્રામ પનીર, ૧૦૦ ગ્રામ લીલા વટાણા, ૨ ટેબલસ્પૂન લીલા કાંદા, ૪ લીલાં મરચાં, અડધી ટીસ્પૂન ચાટ મસાલા, ૧ ટીસ્પૂન મરીનો પાઉડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટીસ્પૂન તલ, અડધો કપ સમારેલાં લાલ, લીલાં, પીળાં કૅપ્સિકમ, ૧-૨ ચમચી બાફેલી મકાઈના દાણા, તળવા માટે તેલ
કણક માટેની રીત : એક વાસણમાં ૧ કપ ઘઉંનો લોટ, મીઠું, અજમો, પાલકની પેસ્ટ, તેલ નાખીને કડક કણક બાંધી લો. કણકને ૫-૧૦ મિનિટ માટે રાખી મૂકો. હવે એક બાઉલમાં અડધો કપ ઘઉંનો લોટ લઈ એમાં બીટરૂટની પેસ્ટ, અજમો, મીઠું, તેલ નાખી કડક કણક બનાવો. આ કણકને પણ ૫-૧૦ મિનિટ માટે રાખી મૂકો.
સ્ટફિંગ માટેની રીત : છીણેલા પનીરમાં સમારેલાં ૩ કલરનાં કૅપ્સિકમ, લીલા કાંદા, લીલાં મરચાં ઉમેરો. કોથમીર, ફુદીનાનાં પાન, બાફેલા લીલા વટાણા, સ્વીટ કૉર્ન, ગરમ મસાલો, તલ, ચાટ મસાલો, કાળા મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લો (તમે આ સ્ટફિંગને સાંતળી પણ શકો છો).
બનાવવાની રીત : પાલકની કણક લો અને મોટો રોટલો વણી ગોળાકાર આકારમાં કાપો. સ્ટફિંગને વચ્ચે ભરીને કિનાર પર પાણી લગાવો અને બધી ૪ સાઇડને પાર્સલની જેમ ફોલ્ડ કરો. હવે બીટરૂટ કણકમાંથી બીજી રોટલી બનાવો. એને સ્ટ્રિપ્સમાં કાપીને સ્પિનૅચ પાર્સલ પર જોડો (જેમ કે + ચિહન). તમે આ પ્રોસેસને ઊલટાવી પણ શકો છો. એટલે કે બંને બીટરૂટ કણકની પૂરી બનાવીને સ્પિનૅચ કણકની પટ્ટીઓ કરી શકો છો. આ રીતે બધાં પાર્સલ બનાવો. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તળી લો અથવા ડીપ ફ્રાય કરો. બધાં વેજ પનીર પાર્સલને મીડિયમ ગૅસ પર ફ્રાય કરવાં. સ્વાદિષ્ટ વેજ પનીર પાર્સલ તૈયાર છે. સમારેલાં વેજિટેબલ અથવા કેચપથી એને ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. તમે વેજ પનીર પાર્સલને કેચપ, ચટણી અથવા ચા સાથે પણ પીરસી શકો છો. 

life and style mumbai food indian food