30 May, 2022 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેસિપી કૉન્ટેસ્ટ
સામગ્રી : એક કપ તડબૂચ (કલિંગડ)ની છાલ (લીલો અને સફેદ ભાગ સાથે)ના ટુકડા, એક કપ દહીં, એક કપ રવો, અડધો કપ સમારેલી કોથમીર, ૮થી ૧૦ કઢીપત્તાં, ૨થી ૩ લીલાં મરચાં, એક ટીસ્પૂન ઇનો સોડા, એક આદુંનો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે
વઘારની સામગ્રી : એક ટેબલસ્પૂન તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, એક ચપટી હિંગ, ૮થી ૧૦ કઢીપત્તાં, સજાવટ માટે કોથમીર
બનાવવાની રીત : મિક્સરના જારમાં દહીં, કલિંગડની છાલના ટુકડા, કોથમીર, કઢીપત્તાં, લીલાં મરચાં, આદું બધું નાખીને પીસી લેવું. હવે એમાં રવો ઉમેરીને સરખી રીતે મિક્સ કરો. મીઠું, એક ટીસ્પૂન તેલ અને ટીસ્પૂન ઇનો સોડા આ તૈયાર થયેલા મિશ્રણમાં નાખીને સરખું હલાવી લેવું. તૈયાર થયેલું ઢોકળાંનું મિશ્રણ થાળીમાં પાથરીને સ્ટીમરમાં ૧૦થી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું. હવે તૈયાર થયેલાં ઢોકળાં પર વઘાર કરો. એને કોથમીરથી ગાર્નિશ કરી લીલી ચટણી અને સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો.
સામગ્રી : ૩ સ્લાઇસ ઘઉંની બ્રેડ (કૉર્નર કાઢી નાખવી), ૧ કપ નવાયુ દૂધ, ૧ કપ અમૂલ ફ્રેશ ક્રીમ, ૧ કપ મીઠાઈ મેટ, પા ટીસ્પૂન ઇલાયચી પાઉડર, પા ટીસ્પૂન રોઝ એસેન્સ, ૨ ટેબલસ્પૂન ડ્રાય રોઝ પેટલ્સ, ૨ ટેબલસ્પૂન ગુલકંદ, પા ટીસ્પૂન પિન્ક ફૂડ કલર
રીત : બ્રેડની સ્લાઇસને નવાયા દૂધમાં ૧૫ મિનિટ પલાળી લો. હવે મિક્સરના એક જારમાં પલાળેલી બ્રેડની સ્લાઇસ સહિત બધી જ સામગ્રી નાખીને બરાબર ચર્ન કરી લો. જે સ્મૂધ લિક્વિડ તૈયાર થાય એને કુલ્ફીના મૉલ્ડમાં ભરીને ૮થી ૧૦ કલાક માટે ડીપ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. ત્યાર
બાદ બહાર કાઢી અનમૉલ્ડ કરો અને ડ્રાય રોઝ પેટલ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.
સામગ્રી : પૂડલા માટે : ૧ કપ ગ્રીન મગની દાળ, ૧ કપ પાલકની પ્યુરી, ૧ ટેબલસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે
સ્ટફિંગ માટે : પા કપ બાફેલા રાજમા, પા કપ બાફેલા લીલા વટાણા, પા કપ બાફેલા કૉર્ન, પા કપ લાલ-પીળા બેલ પેપર, ૧ કપ બારીક સમારેલી કોથમીર, પા કપ બારીક સમારેલાં ફુદીનાનાં પાન, ૧ ટેબલસ્પૂન ચિલી ફ્લેક્સ, ૧ ટેબલસ્પૂન ઓરેગેનો, ૧ ટેબલસ્પૂન કાળા તલ, ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે.
વઘાર માટે : ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન તલ
ગાર્નિશિંગ માટે : ખમણેલું કોપરું, કોથમીર, દાડમના દાણા, મકાઈના દાણા
સ્ટફિંગની રીત : મિક્સરમાં રાજમા, લીલા વટાણા, કૉર્ન, કોથમીર, ફુદીનો અધકચરાં વાટી લો. એક પૅનમાં તેલ લઈ એમાં હિંગ અને જીરું નાખી આ અધકચરી વાટેલી પેસ્ટ નાખી બે મિનિટ સાંતળો. એમાં બારીક સમારેલા બેલ પેપર, ચિલી ફ્લેક્સ, ઓરેગેનો, કાળા તલ, મીઠું નાખીને બે મિનિટ કુક કરો. આ મિશ્રણને ગૅસ પરથી ઉતારીને ઠંડું થવા દો.
પૂડલા માટેની રીત : મગની લીલી દાળને છથી સાત કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ એને મિક્સરમાં વાટી લો. વાટેલી પેસ્ટમાં પાલકની પ્યુરી, લીલાં મરચાંની પેસ્ટ અને મીઠું નાખી દો. પૂડલા માટેનું મિક્સર તૈયાર થઈ ગયું. નૉન-સ્ટિક તવા પર આ બેટર નાખીને મીડિયમ સાઇઝના પૂડલા બનાવી લાઇટ બ્રાઉન શેકો.
પાતરાં માટે : તૈયાર કરેલું સ્ટફિંગ પૂડલા ઉપર સ્પ્રેડ કરો અને એનો વીંટો વાળો. દસ મિનિટ માટે બાફો. વીંટો ઠંડો થાય એટલે એની રિંગ્સ કાપો.
વઘાર માટે : પૅનમાં તેલ લઈ એમાં રાઈ, જીરું, તલનો વઘાર કરી પાતરાં ઉપર રેડી દો.
ગાર્નિશિંગ : સ્પિનૅચ પૂડલા પાતરાંને ખમણેલું કોપરું, કોથમીર, દાડમના દાણા અને મકાઈના દાણાથી ગાર્નિશ કરો.