અપ્સરાઓ કામિની થઈ શકે, માતા ન થઈ શકે

29 May, 2022 08:17 AM IST  |  Mumbai | Swami Satchidananda

મા બન્યા વિના જ વધુમાં વધુ ભોગો ભોગવી લેવાની લાલસા એ અપ્સરાવૃત્તિ છે. આવી અપ્સરાઓ અંતે કમોતે જ મરતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

પશુ-પક્ષીઓમાં કોઈ શકુંતલા નથી થતી, કારણ કે એક તો કામાચારમાં પ્રતિષ્ઠા આડે આવતી નથી અને બીજું, ત્યાં ધર્મમાન્યતા કે લોકમાન્યતા નથી હોતી, માત્ર ને માત્ર કુદરત-માન્યતા જ હોય છે. 
ત્યજી દીધેલી શકુંતલાને પક્ષીઓએ રક્ષણ આપ્યું. ‘ચેં-ચેં-ચેં’ કરીને હિંસક પ્રાણીઓને દૂર રાખ્યાં. તેમનો ચેંકારો સાંભળીને નજીકના આશ્રમમાંથી ઋષિ દોડી આવ્યા. મનમાં થયું કે નક્કી કઈક ગડબડ છે, બાકી આ પક્ષીઓ આટલો બધો ચેંકારો કદી કરતાં નથી, આજે કેમ કરતાં હશે? 
ઋષિએ આવીને જોયું તો શકુંતલા બૂમો પાડી રહી છે, પણ મા તો અપ્સરા છે. અપ્સરા તેને કહેવાય જેનામાં રૂપ અને જુવાની તો ભરપૂર ખીલ્યાં છે, વેતરે આવેલી ગાયની માફક તે સાંઢ માટે આંધળી થાય, પણ તેનામાં માતૃત્વ ખીલ્યું ન હોય. અરે, માતૃત્વ હોતું જ નથી. કુદરતી વ્યવસ્થા છે. કામાંગની ખિલવણીની સાથે-સાથે માદામાં માતૃત્વની પણ ખીલવણી થાય છે, તે એટલી હદે કે માતૃત્વ ધારણ કરતાંની સાથે જ માદા નરને નજીક આવવા દેતી નથી. જાઓ, જોઈ આવો ગાયોના ધણને. વેતરે આવેલી જે ગાય સાંઢ માટે ખીલો તોડાવતી એ જ માતૃત્વ સ્થાપિત થયાં પછી સાંઢથી દૂર ખસી જાય છે. હવે તું નહીં, હું ને મારું બાળક. બસ, પત્ની થવાની ધન્યતા કરતાં માતા થવાની ધન્યતા જેને ઘણી મોટી લાગે તે જ માતૃત્વની અધિકારિણી થઈ શકે. 
અપ્સરાઓ કામિની તો થઈ શકે, માતા ન થઈ શકે. અપ્સરા એટલે રૂપ અને ભોગપ્રધાન સ્ત્રીઓ. તે પોતાના રૂપ અને ભોગોને સાચવવા માતૃત્વથી દૂર રહે છે. મા બન્યા વિના જ વધુમાં વધુ ભોગો ભોગવી લેવાની લાલસા એ અપ્સરાવૃત્તિ છે. આવી અપ્સરાઓ અંતે કમોતે જ મરતી હોય છે, કારણ કે તેણે અનેક લોકોનો હાયકારો ભોગવ્યો હોય છે, અનેકની બદદુઆઓ તેના મસ્તક પર ઘૂમરાતી હોય છે.
માતૃત્વ વિનાની મેનકા તો શકુંતલાને ત્યજીને ચાલતી થઈ. પેલી તરફ વિશ્વામિત્ર ફરી પાછા તપમાં બેસી ગયા, પણ કણ્વઋષિ શકુંતલા પાસે પહોંચી ગયા. માના નામની હૃદયવિદારક ચીસો પાડતી શકુંતલાને મા તો ન મળી, પણ બાપ મળી ગયો. ઋષિએ તેને છાતીસરસી ચાંપી લીધી. પક્ષીઓએ રક્ષણ કર્યું એટલે ઋષિએ તેનું નામ ‘શકુંતલા’ પાડ્યું. ઋષિ શકુંતલાને આશ્રમમાં લઈ આવ્યા અને ઋષિપત્નીએ તેને સ્વીકારી લીધી તો ઋષિ પરિવારે પણ સ્વીકારી લીધી. કદાચ આ પ્રથમ મિશનરીઓનો આશ્રમ હશે, પણ કહેવું પડે કે આ જ ઋષિમાર્ગ કહેવાય.

columnists astrology swami sachchidananda