પાણીપૂરી ખાવામાં એક લાખ રૂપિયા સ્ટૉલ પર ભૂલી ગઈ હતી કામ્યા

31 May, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે જ્યારે પોતાની હોટેલમાં પહોંચી તો તેને યાદ આવ્યું કે તે પૈસા પાણીપૂરીના સ્ટૉલ પર જ ભૂલી ગઈ છે

કામ્યા પંજાબી

કામ્યા પંજાબી ઇન્દોર ગઈ ત્યારે તે પાણીપૂરી ખાવામાં એટલી તો મગ્ન થઈ ગઈ હતી કે એક લાખ રૂપિયાનું એન્વલપ તે સ્ટૉલ પર જ ભૂલી ગઈ હતી. તે જ્યારે પોતાની હોટેલમાં પહોંચી તો તેને યાદ આવ્યું કે તે પૈસા પાણીપૂરીના સ્ટૉલ પર જ ભૂલી ગઈ છે. એથી તરત જ એ સ્ટૉલ પર તેણે પોતાના ફ્રેન્ડને મોકલ્યો હતો. જોકે સદ્નસીબે તેને એ પૈસાથી ભરેલું એન્વલપ પાછું મળી ગયું હતું. એ આખી ઘટના પર પ્રકાશ પાડતાં કામ્યા પંજાબીએ કહ્યું કે ‘હું રવિવારે એક ઇવેન્ટ માટે ઇન્દોર ગઈ હતી. પાછા ફરતી વખતે મારા ફ્રેન્ડ પ્રોડ્યુસર સંતોષ ગુપ્તાએ કહ્યું કે ત્યાં જ છપ્પન દુકાન પાસે સ્વાદિષ્ટ પાણીપૂરી મળે છે. ઇન્દોર ચાટ માટે ખૂબ ફેમસ છે. એ સાંભળીને હું પોતાને કન્ટ્રોલ ન કરી શકી અને પાણીપૂરી ખાવા નીકળી પડી. મારી પાસે એક એન્વલપ હતું જેમાં એક લાખ કૅશ હતી. એથી ખાતી વખતે મેં એ એન્વલપ દુકાનના ટેબલ પર મૂક્યું હતું. હું પાણીપૂરી ખાવામાં અને ફોટો ક્લિક કરવામાં એટલી તો તલ્લીન હતી કે એ એન્વલપ હું ત્યાં જ ભૂલી ગઈ. મારો ફ્રેન્ડ તરત દોડીને ત્યાં ગયો. હું ખૂબ ટેન્શનમાં હતી અને પ્રાર્થના કરી રહી હતી કે એ એન્વલપ મને પાછું મળી જાય. હું સતત એમ વિચારતી હતી કે જો મને પૈસા પાછા મળી જાય તો હું મારા ગ્રહોની આભારી રહીશ. એ જગ્યા ખૂબ ભીડવાળી હતી. મારો ફ્રેન્ડ જ્યારે ત્યાં પહોંચ્યો તો એ પૅકેટ ત્યાં જ હતું. તેણે પાણીપૂરીના સ્ટૉલ માલિક દિનેશ ગુજ્જર સાથે વાત કરી અને એ પૅકેટને પાછો લઈ આવ્યો. હું ખૂબ ખુશ થઈ હતી, કેવી રીતે રીઍક્ટ કરવું એની પણ સમજ નહોતી પડતી કેમ કે મને એમ જ હતું કે કદાચ પૈસા નહીં મળે. જોકે પૈસા પાછા મળી જવા એ અદ્ભુત અને ચોંકાવનારું હતું. ઇન્દોરના લોકો ખૂબ જ પ્રેમાળ અને ઉદાર છે.’

entertainment news indian television television news kamya punjabi