ભાવવધારો એ વિકાસનું એક અનિવાર્ય પાસું છે જેનો સ્વીકાર જ ઉપાય છે

06 June, 2022 10:45 AM IST  |  Mumbai | Manoj Joshi

તમારાં મૅડમ તો જાહેરમાં, સભાની વચ્ચે આ વાત સ્વીકારતાં હતાં અને બીજેપીના તો કોઈ નેતાએ એવું સ્ટેટમન્ટ કર્યું જ નથી અને એ પછી પણ તમે તેમને ફોલી ખાવા માટે નીકળી પડ્યા છો, આ તે ક્યાંનો ન્યાય?

પ્રતીકાત્મક તસવીર

ઉપર કહ્યું એ વાક્ય બીજું કોઈ નહીં, પણ ઇન્દ‌િરા ગાંધી બોલ્યાં છે.
હા, આ હકીકત છે. ૮૦ના દસકામાં આસનસોલની એક જાહેર સભામાં ઇન્દિરા ગાંધીએ આ શબ્દો કહ્યા હતા અને એના દસ્તાવેજી પુરાવા પણ અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. ‘આપકા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’ કૉન્ગ્રેસનાં સુપ્રીમો આ વાત કહેતાં હતાં ત્યારે બધું સાચું લાગતું હતું અને આજે જ્યારે બીજેપીના શાસનમાં એનો અમલ શરૂ થયો છે ત્યારે છાતીમાં બળતરા થવા માંડી? આ તે કેવું કહેવાય. તમારાં મૅડમ તો જાહેરમાં, સભાની વચ્ચે આ વાત સ્વીકારતાં હતાં અને બીજેપીના તો કોઈ નેતાએ એવું સ્ટેટમન્ટ કર્યું જ નથી અને એ પછી પણ તમે તેમને ફોલી ખાવા માટે નીકળી પડ્યા છો, આ તે ક્યાંનો ન્યાય?
મૂળ વાત પર આવીએ. હકીકત છે આ. ભાવવધારો એ વિકાસનું અનિવાર્ય પાસું છે અને એ રહેવું જ જોઈએ. ભાવવધારા વિનાનો વિકાસ એ માત્ર અને માત્ર મોટા માણસોના ઘરમાં ભરાતી સમૃદ્ધ‌િની નિશાની છે; પણ ભાવવધારો થાય, એકેએક માણસના ઘરમાંથી, ખિસ્સામાંથી મોટી રકમ બહાર ફરતી થાય ત્યારે ફરતી એ મૂડી ચલણમાં આવે અને ચલણમાં આવે ત્યારે એનો વિકાસ સર્વ જગ્યાએ દેખાય. વિકાસ માટે રૂપિયો ફરતો રહેવો જોઈએ અને જેટલો વધુ રૂપિયો ફરતો રહે એટલો મોટો અને સક્ષમ વિકાસ બહાર દેખાય. તમે જોઈ લેજો, જ્યારે-જ્યારે મોંઘવારી આવી છે ત્યારે-ત્યારે એ મોંઘવારીએ દેશને એક નવા પગથિયા પર મૂક્યો છે. એક તબક્કો હતો કે દેશમાં સોનું ૧૦૦ રૂપિયાનું ૧૦ ગ્રામ મળતું હતું, પણ તમે જુઓ એ સમયે વિકાસ અને સુવિધા આટલી અને આ સ્તરની નહોતી જ નહોતી. સુવિધા વધી એમ મોંઘવારી વધી અને મોંઘવારી વધી એમ સુવિધાઓમાં નવો-નવો ઉમેરો થતો ગયો.
સિંગલ પટ્ટી રસ્તા હતા પહેલાં, પછી ડબલ ટ્રૅક અને પછી ફોર ટ્રૅક રસ્તા થયા. હવે ૮ અને ૧૬ ટ્રૅકના રસ્તાઓનું પણ લોકોને અચરજ નથી રહ્યું. આ વિકાસ છે અને વિકાસની આ રૂપરેખા જોવા માટે મોંઘવારી પણ ભોગવવાની જ હોય. તમે જો અપેક્ષા એવી રાખતા હો કે તમને સોંઘવારીનો જ લાભ મળે અને સોંઘવારી વચ્ચે જ તમે જીવતા રહો તો તમારે માટે ક્યારેય ૮ અને ૧૬ ટ્રૅકના રસ્તા બને નહીં, સોંઘવારી વચ્ચે ગાડામાર્ગ જ રહે અને તમારે અવરજવર માટે એ માર્ગનો જ ઉપયોગ કરતા રહેવું પડે. જો તમને એવું લાગતું હોય કે વિકાસ, સુવિધા અને સગવડ મળવાં જ જોઈએ તો એને માટે તમારે જેકંઈ ચુકવણી કરવાની છે એ પણ કરવી જ પડે. ઍરકન્ડિશન ખરીદ્યા પછી તમે ઇલેક્ટ્રિસિટીના બિલની ફરિયાદ કરવા માંડો તો એમાં ગાંડપણ તમારું છતું થાય, દુનિયાનું નહીં. જો બિલ ન ભરવું હોય તો તમે ઍરકન્ડિશન વાપરવાનું બંધ કરી દો અને જો તમારે એ વાપરવું હોય તો એને માટે જેકંઈ બિલ આવે એ ભરવાનું રાખો. જો તમને એવું લાગે કે પેટ્રોલ પોસાતું નથી તો વાહન મૂકી દો અને જો વાહન અનિવાર્ય હોય તો એ પેટ્રોલ માટેની લાયકાત મેળવી લો. એક સમય હતો કે દેશમાં દર ૧૦ વ્યક્તિએ એક વાહન હતું, આજે એ આંકડો ૭ પર પહોંચ્યો છે. આ વિકાસ છે, આ સુવિધાને લીધે જોવા મળતી પ્રગતિ છે અને પ્રગતિ ક્યારેય મફતમાં ન આવે, એની કિંમત ચૂકવવી જ પડે.

columnists manoj joshi