બાળકોને નાણાકીય કૌશલ્ય શીખવવા માટે શું કરવું?

06 June, 2022 01:45 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

માતા-પિતા પોતાનાં બાળકોને નાણાકીય સાક્ષરતા કેવી રીતે આપી શકે એના વિશેનાં કેટલાંક સૂચન અહીં રજૂ કરાયાં છેઃ

પ્રતીકાત્મક તસવીર

જીવનનાં અન્ય કૌશલ્યની જેમ નાણાકીય સાક્ષરતા પણ મહત્ત્વપૂર્ણ હોય છે. તમે તમારાં બાળકોને જેટલી વહેલી આ કુશળતા આપશો એટલું જ વધારે પરિપક્વ રીતે તેઓ નાણાંનું મૅનેજમેન્ટ કરી શકશે.

પૈસાનું રોકાણ અને વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ શીખવું કિશોરોને તેમના જીવનના ધ્યેયની પૂર્તિ કરવામાં ઉપયોગી નીવડશે.

કમનસીબે, આપણી પરંપરાગત શિક્ષણવ્યવસ્થામાં નાણાકીય સાક્ષરતાને સ્થાન આપવામાં આવ્યું નથી. બાળકો અને કિશોરોને આ શિક્ષણ અપાતું નહીં હોવાને લીધે તેઓ જ્યારે પ્રૌઢાવસ્થામાં આવે છે ત્યારે પોતાનાં નાણાં કેવી રીતે વાપરવા એના વિશે સાવ અજાણ હોય છે.

માતા-પિતા પોતાનાં બાળકોને નાણાકીય સાક્ષરતા કેવી રીતે આપી શકે એના વિશેનાં કેટલાંક સૂચન અહીં રજૂ કરાયાં છેઃ

શરૂઆતમાં તમે બાળકોને શાળાની કૅન્ટીનમાં નાસ્તો ખરીદવા માટેના પૈસા આપીને તેમને પોતાના ખર્ચ પર કાબૂ રાખવાનું શીખવી શકો છે.

બાળકોમાં બચતની આદત કેળવવા માટે પિગી બૅન્ક એક ઉત્તમ સાધન છે. તેઓ દરરોજ થોડી-થોડી બચત શરૂ કરવા માટે ખર્ચમાં કાપ મૂકતાં શીખી જશે. આ રીતે તેમની નાણાકીય શિક્ષણની મુસાફરી શરૂ થશે.

બાળકોને જોઈતી વસ્તુઓની યાદી બનાવવાનું કહો. એમાંથી કઈ વસ્તુ હાલ ખરીદવામાં નહીં આવે તો ચાલી જશે એના વિશે તેમને સમજાવો. આ રીતે તેઓ સમજદારીપૂર્વક પૈસા વાપરતાં શીખશે.

તમારાં બાળકોને સુપરમાર્કેટમાં લઈ જાઓ. એની પહેલાં તેમને તમારું બજેટ જણાવો અને તમે સુપરમાર્કેટમાંથી જે વસ્તુઓ ખરીદવા માગો છો એની રફ યાદી તૈયાર કરતી વખતે તેમને સાથે બેસાડો. સુપરમાર્કેટમાં જઈને ફક્ત આવશ્યક વસ્તુઓ લઈ આવો.

જો તમે કોઈ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા હો તો તેમને જણાવો. તેઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરી શકે છે અને મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પર સમજદારીપૂર્વક ખર્ચ કરવાનું શીખી શકે છે.
ફિક્સ્ડ ડિપોઝિટથી શરૂ કરીને તેમને ધીમે-ધીમે રોકાણની દુનિયાનો પરિચય કરાવો. તેમનું બૅન્ક ખાતું પણ ખોલો.

એક વાર તેઓ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાના ફાયદાઓ વિશે જાણી લે પછી તેમને ધીમે-ધીમે અન્ય રોકાણ સાધનોનો પરિચય કરાવો.

ટેક્નૉલૉજીએ માત્ર એક ક્લિકથી રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. તમારા બાળકને ડિજિટલ ફાઇનૅન્સનો પરિચય કરાવો અને સમજદારીપૂર્વક નાણાકીય નિર્ણયો લેવાનું શીખવો.

સરકારની નાણાકીય સાક્ષરતા નીતિના ભાગરૂપે કિશોરોને આર્થિક રીતે સાક્ષર કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે, એમાં રિઝર્વ બૅન્કનો ‘પ્રોજેક્ટ ફાઇનૅન્શિયલ લિટરસી’ સામેલ છે. એના દ્વારા સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ, સંરક્ષણ ખાતાના કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ તથા શહેરી અને ગ્રામીણ ગરીબોને રિઝર્વ બૅન્ક અને બૅન્કિંગની પાયાની માહિતી આપવામાં આવે છે.

નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે પર્સનલ ફાઇનૅન્સ માટેની પૂરક વાંચનસામગ્રી તૈયાર કરી છે, એમાં ફાઇનૅન્શિયલ પ્લાન, બજેટિંગ, નાણાંનું રોકાણ, નિવૃત્તિકાળ માટેનું આયોજન, કરવેરા અને કારકિર્દીનું આયોજન એ બધા વિષયોને લગતી સામગ્રી ઉપલબ્ધ છે.

સેબી અને એની સંસ્થા નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યૉરિટીઝ માર્કેટ્સે ‘પૉકેટ મની’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. સ્કૂલનાં બાળકોને નાણાકીય શિક્ષણ આપવામાં એ ઘણું ઉપયોગી નીવડે છે. 
આ ઉપરાંત સ્કૂલનાં બાળકો માટે બીએસઈ અને એનએસઈના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ઍન્ડ એજ્યુકેશન ફન્ડે નાણાકીય શિક્ષણની સામગ્રી તૈયાર કરી છે એમાં નાણાકીય બાબતો, પ્લાનિંગ, બજેટિંગ, રોકાણ અને શૅરબજારને લગતી માહિતી ઉપલબ્ધ છે.

આ ઉપરાંત પેન્શન ફન્ડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ નિવૃત્તિકાળના આયોજન સંબંધે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી છે. આ જ રીતે ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ વીમાને લગતી પ્રાથમિક માહિતી આપવા સામગ્રી તૈયાર કરાવી છે. 

business news