ખાદ્ય તેલોની ડ્યુટી ફ્રી આયાતછૂટ : વાતો આત્મનિર્ભરતાની અને કાર્ય ગુલામી વધારનારું

06 June, 2022 01:50 PM IST  |  Mumbai | Mayur Mehta

સસ્તા પામતેલ બાદ હવે સસ્તું સોયા તેલ અને સૂર્યમુખી તેલ દેશમાં ઠલવાશે તો તેલીબિયાં ઉગાડનારા ખેડૂતોને ભાવ ક્યાંથી મળશે?

પ્રતીકાત્મક તસવીર

સસ્તા પામતેલ બાદ હવે સસ્તું સોયા તેલ અને સૂર્યમુખી તેલ દેશમાં ઠલવાશે તો તેલીબિયાં ઉગાડનારા ખેડૂતોને ભાવ ક્યાંથી મળશે? : ભારત ૧૯૯૩-’૯૪માં ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે ઑલમોસ્ટ આત્મનિર્ભર હતું જે ૩૦ વર્ષમાં ૭૦ ટકા ગુલામ બન્યું, શું ૧૦૦ ટકા ગુલામ બનાવવાનું સરકારનું લક્ષ્ય છે?

દેશની ખાદ્ય તેલોની ૨૨૫ લાખ ટનની વાર્ષિક જરૂરિયાત હાલ ૨૧૦થી ૨૧૫ લાખ ટનની છે, એમાંથી ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલોની આપણે આયાત કરીએ છીએ એટલે કે આપણે ખાદ્ય તેલોના ક્ષેત્રમાં હાલ ૭૫ ટકા ગુલામ છીએ. આ ગુલામી વર્ષોવર્ષ કૂદકે ને ભૂસકે વધી રહી છે. વાર્ષિક ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલોની આયાત માટે સરકારી તિજોરીમાંથી દર વર્ષે ૧ લાખ કરોડ રૂપિયાનું કીમતી વિદેશી હૂંડિયામણ વપરાય છે. દેશમાં ક્રૂડ તેલ અને સોના-ચાંદી પછીનું સૌથી વધુ આયાતબિલ ખાદ્ય તેલોની આયાતનું છે.

આટલું ઓછું હોય એમ સરકારે તાજેતરમાં બે વર્ષ સુધી ૨૦ લાખ ટન સોયા તેલ અને ૨૦ લાખ ટન સૂર્યમુખી તેલની ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી છે. બહાનું છે કે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી હોવાથી સરકારને નછૂટકે આવા પગલાં લેવા પડી રહ્યાં છે. એક તરફ આત્મનિર્ભરતાની મોટી-મોટી વાતો થઈ રહી છે, દેશની જનતાને ઊઠતાં-બેસતાં આત્મનિર્ભરતાના પાઠ ભણાવવામાં આવે છે એની સામે સરકાર ખુદ દેશને ગુલામી તરફ દોરી રહી છે.

દેશને ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ સરકાર દ્વારા ૧૯૯૧-’૯૨થી ચાલુ થયા છે. ૧૯૯૧-’૯૨માં ટેક્નૉલૉજી મિશન ઍન્ડ ઑઇલસીડ્સ ઍન્ડ પલ્સીસ હેઠલ ઑઇલ પામ ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૫માં નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ઑઇલ પામની સ્થાપના નરસિંહરાવ સરકારે કરી હતી. ૧૯૯૧-’૯૨થી લગભગ દર વર્ષે બજેટમાં ભારતને ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે નાની-મોટી બજેટ ફાળવણી થાય છે. છેલ્લાં ૩૩ વર્ષથી વિવિધ સરકારો દ્વારા આવા મિશન ચાલી રહ્યા છે અને એને માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ કશું જ પરિણામ મળતું નથી અને દેશ ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે ‘ઊલટી ગિનતી’ કરી રહ્યો છે.

લેટેસ્ટ, ગયા વર્ષે ઑગસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૅશનલ મિશન ફૉર એડિબલ ઑઇલ-પામ ઑઇલ શિર્ષક હેઠળ નવી યોજના બહાર પાડી હતી, જેમાં ૧૧,૦૪૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આગામી ૧૦ વર્ષમાં ભારતને પામતેલનું ઉત્પાદન વધારીને ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની રૂડીરૂપાળી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ૧૯૯૧-’૯૨થી આવતી દરેક સ્કીમમાં પણ આવી રૂડીરૂપાળી રૂપરેખા તૈયાર કરવામાં આવતી હતી, પણ અત્યાર સુધી પરિણામ શૂન્ય જ મળ્યું છે.

ભારતને ખાદ્ય તેલોનું ગુલામ બનાવવામાં અગાઉની સરકારે લીધેલા નિર્ણય જવાબદાર છે. ૧૯૯૬-’૯૭માં ડબ્લ્યુટીઓના નવા ફતવા અનુસાર ભારત સરકારે સોયા તેલની આયાત ડ્યુટી ૩૦૦ ટકાથી ઘટાડીને ૪૫ ટકા કરી હતી. અમેરિકાને લાભ અપાવવા ડબ્લ્યુટીઓએ ભારતને સોયા તેલની ડ્યુટી ઘટાડવા દબાણ કર્યું હતું, જે દબાણને વશ થઈને સરકારે નિર્ણય લેતાં ૧૯૯૬-’૯૭માં ભારતની ખાદ્ય તેલોની વાર્ષિક આયાત ૧૦.૨૦ લાખ ટન હતી જે વધીને ૧૯૯૮-’૯૯માં ૨૯.૮ લાખ ટન અને ૧૯૯૯-’૨૦૦૦માં ૫૦ લાખ ટને પહોંચી હતી. ૨૦૧૧માં સરકારે તમામ પ્રકારનાં ખાદ્ય તેલોની ડ્યુટી ઝીરો કરી નાખી, જેને કારણે ૨૦૧૨માં ભારતની ખાદ્ય તેલોની આયાત વધીને ૯૦.૧૦ લાખ ટને પહોંચી હતી. અગાઉની સરકારની ભૂલોને કારણે ખાદ્ય તેલોની આયાત વધીને વાર્ષિક ૧૫૦ લાખ ટને પહોંચી હતી. કોરોનાકાળ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે સતત આઠ વખત ખાદ્ય તેલોની આયાત ડ્યુટી પાંચ ટકાથી વધારીને ૫૫ ટકા સુધી વધારતાં ગયા વર્ષે ખાદ્ય તેલોની આયાત ઘટીને ૧૩૦ લાખ ટન થઈ હતી, પણ સરકારે ફરી ૨૦ લાખ ટન સોયા તેલ અને ૨૦ લાખ ટન સૂર્યમુખી તેલની ડ્યુટી ફ્રી આયાતછૂટ આપતાં ચાલુ વર્ષે આયાત ફરી ૧૫૦ લાખ ટનની સપાટીથી ઊંચી જવાની શક્યતા ઊભી થઈ છે. આમ, સરકારની આત્મનિર્ભરતાની વાતો છતાં ખાદ્ય તેલોના ઉત્પાદનમાં ફરી દેશ ગુલામીની દિશામાં આગળ વધી રહ્યો છે. 

ખાદ્ય તેલોની ડ્યુટી ફ્રી આયાત, સ્ટૉક નિયંત્રણ અને પામ-મિશનથી ગ્રાહક કે ટ્રેડને કોઈ ફાયદો નથી : શંકર ઠક્કર, રાષ્ટ્રીય અધ્યક્ષ - અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને રોકવા સરકારે ૨૦ લાખ ટન સોયા તેલ અને ૨૦ લાખ ટન સૂર્યમુખી તેલની ડ્યુટી ફ્રી આયાતનો નિર્ણય લીધો એનાથી ગ્રાહક કે ટ્રેડને કોઈ ફાયદો થવાની કોઈ શક્યતા નથી. ઊલટું, દેશને ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય પડી ભાંગશે. ડ્યુટી ફ્રી આયાત માટે સરકાર જે પ્રોસેસિંગ યુનિટોએ ગયા વર્ષે પ્રોસેસિંગ કર્યું છે એના ડેટાને આધારે આયાત કરવાની છૂટ અપાશે, જ્યારે વર્ષોથી આયાત કરનારાઓને ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી નથી. આથી આયાતકારો સામે પ્રોસેસર્સો ટકી શકવાના નથી. આ નિર્ણયનો લાભ માત્ર ને માત્ર મોટાં માથાંઓને મળશે, નાના-મધ્યમ કદના પૅકર્સ, પ્રોસેસર્સ અને ટ્રેડરને કોઈ ફાયદો થવાનો નથી. ઉપરાંત થોડા દિવસ અગાઉ સ્ટૉક નિયંત્રણ લાદવામાં આવ્યું હતું એની કોઈ અસર ભાવ પર પડી નથી ઊલટું ભ્રષ્ટાચાર વધ્યો છે. દેશને ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા સરકારે ૧૧,૦૪૦ કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ બનાવ્યો એમાં સફળતા મળવાની નથી, કારણ કે છેલ્લાં ૩૦ વર્ષથી અનેક  પ્રાઇવેટ પ્લેયરો પામની ખેતી માટે પ્રયત્નો કરે છે, પણ સતત નિષ્ફળતા મળી છે. વિદેશી પામતેલને પ્રોત્સાહન આપીને સરકાર આમ જનતાને કેમિકલયુક્ત રિફાઇન્ડ ખાદ્ય તેલો ખાવા તરફ વાળી રહી છે. મૂળ ભારતીય એવા રાયડા કચ્ચીઘાણી, સીંગતેલ કે જે કેમિકલ વગરનાં ખાદ્યતેલો છે એનું ઉત્પાદન વધારવા પ્રયત્નો કરવા જોઈએ.

ખાદ્ય તેલોના વેપાર પર લદાયેલાં નિયંત્રણોથી ગ્રાહકો, ખેડૂતો અને ટ્રેડને મોટું નુકસાન થયું છે : તરુણ જૈન, રાષ્ટ્રીય સેક્રેટરી - અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ

અગાઉ રાજાશાહીમાં જ્યારે પ્રજાનો રાજા સામે મોટેપાયે વિરોધ ઊઠે ત્યારે કોઈ બે નિર્દોષને ફાંસી પર ચડાવીને રાજા પોતે વાહ-વાહી મેળવતા, એવો ઘાટ અત્યારે સર્જાયો છે. મોંઘવારી સતત વધી રહી છે ત્યારે સરકાર મોંઘવારીને વધતી રોકવામાં નિષ્ફળ જઈ રહી છે ત્યારે વેપારીઓને ફાંસીને માંચડે લટકાવવાનું કામ અત્યારે થઈ રહ્યું છે. ખાદ્ય તેલોના ટ્રેડ પર લદાયેલી સ્ટૉક લિમિટ એ નરી મૂર્ખામી છે. અત્યારે બજારમાં આઠ પ્રકારનાં ખાદ્ય તેલો વપરાય છે, કોઈ ગ્રાહકને સીંગતેલ જોઈએ, તો કોઈ ગ્રાહકને કપાસિયા તેલ, પામતેલ, સોયા તેલ, સૂર્યમુખી તેલ, રાયડા તેલ, તલ તેલ, અળસી તેલ જોઈએ. સરકારે ૫૦ ટનની સ્ટૉક મર્યાદા રાખી છે અને એક ટેન્કર ૨૫ ટનનું આવે તો વેપારી આઠ પ્રકારનાં ખાદ્ય તેલો ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે કઈ રીતે રાખી શકે. વેપારી કપાસિયા તેલ અને સીંગતેલ રાખે અને સોયા તેલ ખરીદવા કોઈ ગ્રાહક આવે તો શું ના પાડે? ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થયો હોય ત્યારે વેચવા આવે ત્યારે વેપારી સ્ટૉક મર્યાદાનું બહાનું ધરીને ન ખરીદે તો ખેડૂતને સસ્તા ભાવે વેચવાનો આવે. સ્ટૉક મર્યાદાથી ખેડૂતોને, ગ્રાહકોને નુકસાન થયું છે, પણ ટ્રેડને સૌથી વધુ નુકસાન થયું છે. સરકારે નવો કાયદો બનાવ્યા બાદ સરકારી અધિકારીઓ જે કાયદો નથી એ કાયદા બતાવીને વેપારીઓને લૂંટી રહ્યા છે. આપણે ૭૦ ટકા ખાદ્ય તેલોની આયાત કરી રહ્યા હોવાથી તેલ-તેલીબિયાંના ભાવ વિદેશથી નક્કી થાય છે. 

business news